બ્રિટનમાં રહેતી મલાલાએ મંગળવારે કહ્યું કે અફઘાનિસ્તાનમાં મહિલાઓ અને છોકરીઓ સુરક્ષિત નથી. વર્લ્ડ લીડર્સે આ અંગે તાત્કાલિક એક્શન લેવા જોઈએ. મલાલાએ પાકિસ્તાન સરકારને અફઘાન શરણાર્થીઓ જગ્યા આપવાની પણ અપીલ કરી છે. BBC સાથે વાત કરતા મલાલાએ કહ્યું કે હાલ આ માનવતા પર સૌથી મોટું સંકટ છે. આપણે અફઘાનિસ્તાનના લોકોની મદદ કરવી જોઈએ. તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનમાં મહિલા અધિકારો માટે કામ કરનારા કાર્યકર્તાઓ સાથે મારી વાત થઈ છે. તેમને એ સમજાઈ રહ્યું નથી કે ભવિષ્યમાં તેમની સાથે શું થશે.
મલાલાએ કહ્યું કે તે વિશ્વના વિવિધ નેતાઓ સુધી પોતાની વાત પહોંચાડવાની કોશિશ કરી રહી છે. મલાલાએ કહ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને અફઘાનિસ્તાનના લોકોની સુરક્ષા માટે તાત્કાલિક અને મોટા પગલા ઉઠાવવા જોઈએ. સોમવારે રાતે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં બાઈડને અફઘાન સંકટ માટે અફઘાનિસ્તાનના નેતાઓને જવાબદાર ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે અફઘાનિસ્તાનની ફોર્સે લડ્યા વગર જ તાલિબાન સામે સરન્ડર કર્યું.
મલાલાએ કહ્યું કે અફઘાનિસ્તાનના મુદ્દા પર તેમણે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને લેટર લખ્યો છે. તેમાં અફઘાનિસ્તાનથી આવનારા લોકોને શરણ આપવાની અપીલ કરવામાં આવી છે. જેથી તાલિબાનના ડરથી અફઘાનિસ્તાન છોડીને આવનારા લોકોને રહેવાની સુરક્ષિત જગ્યા મળી શકે.