મુંબઈ સહિત મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં હવામાન વિભાગ (Indian Meteorological Department) દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં મધ્ય મહારાષ્ટ્ર અને વિદર્ભમાં વધુ વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
ગઈકાલથી મધ્ય મહારાષ્ટ્ર સહિત વિદર્ભ, મરાઠા વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. ઉપરાંત મુંબઈ, (Mumbai) થાણે, પાલઘર, રાયગઢ, નાસિક,ઓરંગાબાદ, ધુલે, નંદુરબાર, જલગાંવ, જાલના, વાશિમ, વર્ધા અને ચંદ્રપુર જિલ્લાઓ માટે પણ હવામાન વિભાગ દ્વારા યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાનશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર, વિદર્ભ અને મહારાષ્ટ્રના (Maharashtra) આજુબાજુના વિસ્તારોમાં વરસાદ સાથે વાવાઝોડાની પણ શક્યતા છે. આ સાથે આગામી કેટલાક દિવસોમાં દક્ષિણ બંગાળ, ઓડિશા, બિહાર, ઝારખંડ, તેલંગાણા, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સહિત મધ્ય અને પૂર્વ ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.