અફઘાનિસ્તાનમાં જ્યાં સુધી તાલિબાન પોતાની નવી સરકારની રચના ન કરી લે ત્યાં સુધી એક કાઉન્સિલ દ્વારા આખા દેશને ચલાવવામાં આવશે. તાલિબાનીઓ હાલ અફઘાનિસ્તાનના નેતાઓ, સેનાના ઓફિસર્સ સાથે ચર્ચા ચાલુ રાખશે અને નવી સરકારના ફ્રેમવર્ક પર કામ કરવામાં આવશે. એક તાલિબાની નેતાએ જણાવ્યું કે, તાલિબાન તમામ નેતાઓ ઓફિસર્સ સાથે વાત કરી રહ્યું છે અને બધા સાથે વાત કર્યા બાદ નવી સરકારની રચના કરવામાં આવશે. જોકે હાલ કાઉન્સિલ જ અફઘાનિસ્તાનને ચલાવશે અને Haibatullah Akhundzada તેની આગેવાની કરી શકે છે.
તાલિબાની કમાન્ડરના કહેવા પ્રમાણે તેમની નવી સરકારને લઈ હજુ અનેક બાબતો સ્પષ્ટ કરવાની છે પરંતુ એક વસ્તુ નક્કી છે કે, અફઘાનિસ્તાનમાં લોકશાહી નહીં હોય. અમારા ત્યાં લોકશાહી સિસ્ટમનો બેઝ નથી માટે એ સ્પષ્ટ છે કે, મુલ્કમાં ફક્ત શરિયા કાયદો જ લાગુ કરવામાં આવશે.
આગામી દિવસોમાં કતારના દોહા ખાતે યોજાનારી બેઠકમાં અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરજઈ પણ સામેલ થશે અને ત્યાં અફઘાનિસ્તાનમાં તાલિબાનની નવી સરકાર બનાવવાને લઈ ચર્ચા કરવામાં આવશે.