૧૯ રાષ્ટ્રીય પક્ષોનું એલાન : ૨૦ સપ્ટે.થી દેશભરમાં કેન્દ્ર સામે ધરણા કરીશું

કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ શુક્રવારે વિપક્ષના નેતાઓની સાથે બેઠક યોજી હતી અને ભાજપ સામે એક થવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે માત્ર સંસદમાં જ નહીં બહાર પણ વિપક્ષે એક થવું જોઇએ. ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં દેશને સ્વતંત્રતા આંદોલનના મુલ્યો પર ચાલનારી સરકાર આપવા માટે આયોજન કરવું જોઇએ. અને તે માટે બધાએ એક થવું જોઇએ.

સોનિયા ગાંધી દ્વારા બોલાવવામાં આવેલી આ બેઠકમાં ૧૯ પક્ષોના નેતાઓ સામેલ થયા હતા. ઓનલાઇન યોજાયેલી બેઠકમાં ડીએમકેના એમકે સ્ટાલિન, ટીએમસીના મમતા બેનરજી, જેએમએમના હેમંત સોરેન, એનસીપીના શરદ પવાર, લોકતાંત્રિક જનતા દળના શરદ યાદવ અને સીપીઆઇ(એમ)ના સીતારામ યેચુરી સામેલ થયા હતા.

 ૧૯ પક્ષોએ બેઠક યોજ્યા બાદ એક સંયુક્ત નિવેદન જાહેર કર્યું હતું. અને કહ્યું હતું કે ૨૦થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન વિવિધ મુદ્દાઓને લઇને દેશભરમાં ધરણા, આંદોલન, રેલીઓ કરવામાં આવશે. જેમાં દરેક વિપક્ષ એક થઇને વિવિધ મુદ્દે સરકાર સામે અવાજ ઉઠાવશે. સાથે આ પક્ષોએ એક સંયુક્ત નિવેદન સાથે કહ્યું હતું કે અમે ૧૯ પક્ષો આ દેશના નાગરિકોને અપીલ કરીએ છીએ કે તેઓ બિનસાંપ્રદાયિક, લોકતાંત્રીક અને પ્રજાસત્તાક દેશની રક્ષા માટે અમારી સાથે જોડાય અને પોતપોતાની રીતે પણ અવાજ ઉઠાવે.

શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે આ બેઠક પહેલા કહ્યું હતું કે ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી અને આગામી દિવસોમાં જે પણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે તે મુદ્દે ચર્ચા કરવામાં આવશે. એનસીપી નેતા નવાબ મલીકે કહ્યું કે એનસીપીને આમંત્રણ હોવાથી શરદ પવાર આ બેઠકમાં સામેલ થશે. બેઠકમાં મુખ્યત્વે પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઝારખંડના મુખ્યમંત્રીઓ સહિત ૧૮ પક્ષોના નેતાઓને સામેલ કરવાનું પહેલાથી જ નક્કી હતું જોકે તેમાં દિલ્હીની આમ આદમી પાર્ટીનો સમાવેશ નહોતો કરાયો. બેઠકમાં શિરોમણી અકાળી દળને પણ આમંત્રણ નહોતુ અપાયું. સોનિયા ગાંધીએ વિપક્ષને કહ્યું કે દરેક પક્ષોની કોઇને કોઇ મજબૂરી હોય છે પણ જ્યારે દેશના અસ્તિત્વ અને મૂલ્યોનો સવાલ આવે ત્યારે આ બધી જ મજબૂરીઓને બાજુમાં મુકીને એક થવું જ પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *