વિશ્વના સૌથી મોટા સ્ટીલ ઉત્પાદક આર્સેલર મિત્તલે ગુજરાતમાં જંગી રોકાણની જાહેરાત કરી છે. આર્સેલર મિત્તલ સુરત નજીક હાગરા ખાતે સ્ટીલ ઉત્પાદન પ્રોજેક્ટમાં મોટું રોકાણ કરવા જઈ રહયા છે. આર્સેલર મિત્તલ દ્વારા ગુજરાતમાં લગભગ 1 લાખ કરોડનું રોકાણ કરવામાં આવશે. ગુજરાત ફરી એક વખત તેના રાજ્યમાં મોટું રોકાણ લાવવામાં સફળ રહ્યું છે!
આર્સેલર મિત્તલ ગ્રુપના ચેરમેન અને અબજોપતિ ઉદ્યોગપતિ લક્ષ્મી નિવાસ મિત્તલ અને આર્સેલર મિત્તલ નિપ્પન સ્ટીલ ઈન્ડિયાના સીઈઓ દિલીપ ઓમેન શુક્રવારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળ્યા હતા. આ પછી આર્સેલર મિત્તલ દ્વારા ગુજરાતના વિવિધ વિસ્તારોમાં રોકાણની જાહેરાત કરવામાં આવી હતી. આ રોકાણોની અલગથી વાત કરીએ તો આર્સેલર મિત્તલ હજીરામાં સ્ટીલ પ્લાન્ટના વિસ્તરણ માટે રૂ .50,000 કરોડનું રોકાણ કરશે. લક્ષ્મી નિવાસ મિત્તલે બેઠક બાદ આ માહિતી આપી હતી. આર્સેલર મિત્તલ અને નિપ્પોન સ્ટીલે 2019 માં એસ્સાર પાસેથી પ્રોજેક્ટ સંભાળ્યો હતો. એસ્સાર નાદાર થયા બાદ આ પ્રોજેક્ટ વેચાયો હતો.
આ સિવાય મિત્તલ ગ્રુપ ગુજરાતમાં વધુ 50 હજાર કરોડનું રોકાણ કરવાનું છે. મિત્તલ ગ્રુપ સોલાર પાવર પ્રોજેક્ટ્સ, વિન્ડ પાવર અને હાઇડ્રોજન ગેસના ક્ષેત્રમાં રૂ .50,000 કરોડનું રોકાણ કરવા જઇ રહ્યું છે. આ જાહેરાત બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મિત્તલ ગ્રુપને તમામ શક્ય મદદની ખાતરી આપી છે.