પાકિસ્તાન કર્તારપુર સાહિબ ભારતીયો શીખો માટે શરતો આધીન ખોલશે.

પાકિસ્તાને જાહેરાત કરી છે કે તે પોતાના દેશમાં આવેલા કર્તારપુર સાહિબની મુલાકાત માટે શીખોને છુટ આપશે, જોકે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને જે શીખોએ રસી લઇ લીધી હોય તેમને જ પ્રવેશની અનુમતી આપવામાં આવશે તેવી સ્પષ્ટતા પણ કરી હતી.  આગામી મહિને 22મી સપ્ટેમ્બરે શીખ ધર્મગુરૂ ગુરૂ નાનકદેવની 482મી પુણ્યતિથિ આવી રહી છે. જેને પગલે પાકિસ્તાને કર્તારપુર સ્થિત દરબાર સાહિબ ગુરૂદ્વારાના દ્વાર ખોલવા અને યાત્રાળુઓને પ્રવેશવાની છુટ આપવાનો નિર્ણય લીધો છે.

પાકિસ્તાને એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે જે પણ યાત્રાળુઓએ કોરોનાની રસી લઇ લીધી હશે તેમને જ પ્રવેશ આપવામાં આવશે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને કર્તારપુર કોરિડરોને માર્ચ 2020માં બંધ કરવામાં આવ્યું હતું. કોરોના વાઇરસના ડેલ્ટા વેરિઅન્ટને કારણે પાકિસ્તાને ભારતને સી કેટેગરીમાં રાખ્યું હતું.

જેનો સમયગાળો 22મી મેથી 12મી ઓગસ્ટ સુધીનો હતો, સાથે જ શીખો સહિતના ભારતીયોએ પાક.માં પ્રવેશવા માટે વિશેષ અનુમતી લેવી પડતી હતી. પાકિસ્તાને કહ્યું હતું કે જે પણ ભારતીય નાગરિકે 72 કલાકના સમયગાળામાં પીસીઆર ટેસ્ટ કરાવ્યો હશે તેમને પ્રવેશ આપવામાં આવશે, તેઓએ પોતાની સાથે ટેસ્ટ રિપોર્ટ ઉપરાંત રસી લીધી હોવાનું સર્ટિફિકેટ પણ રાખવાનું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *