વર્ષાઋતુ એ આલ્હાદક ઋતુ તો છે જ, સાથે સાથે રોગદાયક ઋતુ પણ છે. ગંદકી માખી-મચ્છરોનો ઉપદ્રવ વધી જવાથી વર્ષાઋતુમાં રોગચાળો ફાટી નીકળે છે. આથી વરસાદી પાણીનો નિકાલ કરી સાફ-સફાઈ અને સ્વચ્છતા પર વધુ ધ્યાન આપવું જોઇએ.
ચોમાસાની શરૂઆત થતાં જ શરદી, ઉધરસ, તાવ, આવ્યો, ઝાડા થવા, મેલેરિયા, ટાઈફોઇડ, કમળો વગેરે રોગો માનવ શરીરને હેરાન પરેશાન કરી મુકે છે એ રોગોનાં અટકાવ માટે,
(૧) ચોમાસાની શરૂઆત થતાં જ પાણી હંમેશા ઉકાળેલું જ પીવું.
(૨) વાસી આહાર ના ખાવો.
આ વરસાદની ઋતુમાં અપચો પણ થવાની સંભાવના ખૂબ રહે છે. વરસાદી માહોલમાં ખોરાકનું પાચન બરાબર ના થવું એ સામાન્ય બાબત છે. એટલે ખાસ આ ઋતુમાં હલકો જ આહાર લેવો જોઇએ. રાત્રીનું ભોજન જલ્દી કરી લેવું તેમજ રાત્રે ભોજનમાં ખીચડી, થૂલી જેવો હળવો આહાર લેવો. રોજીંદા આહારમાં આદુનું પ્રમાણ વધારે લેવું. આદુનો રસ મંદાગ્નિને દૂર કરે છે.
તુલસી, ફુદીનો, આદુ, મરી, સૂંઠનો ઉકાળો પીવો. હૂંફાળા દૂધમાં થોડીક હળદર નાખીને પીવાથી અને કાળા મરીનો વધુ ઉપયોગ કરવાથી શરદી સળેખમ થતાં નથી. ડાયાબિટીસ ન હોય તો સિતોપલાદી ચૂર્ણ ૨ ગ્રામની માત્રામાં મધ સાથે લેવાથી શરદી-ખાંસીમાં ઘણી રાહત થાય છે. સૂંઠ-ગંઠોડાની રાબ પીવાથી પણ શરદી-ઉધરસમાં રાહત થાય છે.
વરસાદમાં પલળવાથી શરદી તાવ તથા ત્વચાનાં વિકારો ન થાય તે માટે ખૂબ જ સાવધાની રાખવી જોઇએ. ભીના કપડાં તુરંત કાઢી નાખવા જોઇએ. કડુ કરિયાતું, મહાસુદર્શન ચૂર્ણ, ત્રિભુવનકીર્તિરસ વગેરે આયુર્વેદીક દવાઓ વૈદ્યની સલાહ મુજબ લેવી. જેનાથી ચોમાસામાં થતા ઉપદ્રવોથી અવશ્ય બચી શકાય છે.
દરેક વ્યક્તિએ ઋતુચક્ર પ્રમાણે તેના ખોરાક પર શિસ્ત-સંયમ રાખીને આહાર-વિહારનાં નિયમનનું પાલન કરવું જરૂરી છે. વરસાદની ઋતુમાં વાળની માવજત પણ લેવી ખૂબ અગત્યની બને છે. આ ઋતુમાં ખરવા અને વાળ બરછટ થવા વગેરે વાળની ફરિયાદ વિશેષ જોવા મળે છે. આથી આ ઋતુમાં ખાસ શિરોધારા ટ્રીટમેન્ટ મહત્ત્વની છે.
શિરોધારા કરાવવાથી વાળને પોષણ મળી રહે છે, અને વાળની તમામ સમસ્યાઓનું નિવારણ થાય છે. આ સાથે લીલા શાકભાજી અને તાજા ફળોનું સેવન કરવું પણ ખૂબ અગત્યનું છે. અઠવાડિયામાં બે દિવસ હલકા હાથે તેલનું માલિશ કરવું અતિ આવશ્યક છે. માથામાં ખંજવાળ આવે કે વાળ ખરવા માંડે તો તરત જ નિષ્ણાંત વૈદ્યની સારવાર શરૂ કરી દેવી જોઇએ. જેથી જલ્દીથી સૌંદર્ય તેમજ વાળની માવજત થઇ જવાથી આરોગ્ય જળવાઈ રહે છે.
ચોમાસાની ઋતુમાં અગ્નિમંદ થઇ જતો હોય છે. વાતાવરમ પણ ભેજવાળુ વધારે પ્રમાણમાં હોવાથી પાચક અગ્નિપ્રદિપ્ત થાય તેવાં સાદા, સુપાચ્ય આહાર લેવા જોઇએ. રોજિંદા આહારમાં જંકફૂડ, પીત્ઝા, બર્ગર વગેરે ટાળવું. આ ઉપરાંત લસણ, અજમો, સૂંઠ, કાળામરી, તુલસી, ફુદીનો, આદુ વગેરેનો વધારે ઉપયોગ કરવો જોઇએ. વરસાદમાં વાળ ભીના થયા હોય તો શેમ્પૂથી ધોઇને કોરા થાય પછી તેલનું હળવા હાથે મસાજ કરવું. તેલને ગરમ કરીને મસાજ કરવાથી વાળને ખૂબ જ ફાયદો થાય છે તથા વાળમાં ખોડો થવાથી કે વાળ સુંકા બરછટ થવાની કોઈ સમસ્યા રહેતી નથી.
આમ, આ ઋતુમાં આહાર-વિહાર અને યોગ્ય ઋતુચર્યાનું પાલન કરવાથી ઋતુગત રોગોથી અવશ્ય પોતાની જાતને બચાવી શકાય છે.