પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધૂના સલાહકાર મલવિંદરસિંહ માલીએ પૂર્વ વડાંપ્રધાન અને કોંગ્રેસના નેતા ઇંદિરા ગાંધીનું એક સ્કેચ શેર કરીને વિવાદ છેડયો છે. આ સ્કેચમાં ઇંદિરા ગાંધીને હત્યારા દર્શાવવામાં આવ્યા છે. જેને પગલે કોંગ્રેસના નેતાઓ જ મલવિંદરની ટીકા કરી રહ્યાં છે.
સિદ્ધૂના સલાહકાર મલવિંદર અગાઉ પણ વિવાદ છેડી ચુક્યા છે. તેઓએ અગાઉ કાશ્મીરને એક અલગ દેશ જાહેર કરી દીધો હતો અને તેના પર ભારત તેમજ પાકિસ્તાન બન્નેએ ગેરકાયદે કબજો કરી લીધો હોવાનો દાવો પણ કર્યો હતો. જ્યારે હવે તેમણે પૂર્વ વડાંપ્રધાન ઇંદિરા ગાંધીનું એક વિવાદિત સ્કેચ શેર કર્યું હતું.
આ સ્કેચમાં ઇંદિરા ગાંધીને માનવ ખોપડીઓ પર ઉભેલા અને હાથમાં બંદુક રાખેલા દેખાડવામાં આવ્યા છે. બંદુક પર પણ ખોપડી જોવા મળી રહી છે. આ સ્કેચને પગલે અન્ય પક્ષોના નેતાઓ જ નહીં ખુદ કોંગ્રેસના નેતાઓ પણ સિદ્ધૂના સલાહકારની ટીકા કરી રહ્યા છે. અકાળી દળના નેતા વિક્રમ મજીઠિયાએ કહ્યું કે મલવિંદરનું ટ્વિટ કાશ્મીરમાં શહીદ થયેલાઓનું અપમાન છે. ભાજપના નેતાએ માગણી કરી કે માલવિંદર સામે કાર્યવાહી કરવી જોઇએ. કાશ્મીર અંગે વિવાદિત ટ્વિટ પર આ નેતાઓએ કોંગ્રેસના નેતા સિદ્ધૂના સલાહકારની ટીકા કરી હતી.