Indian Army: પાંચ મહિલા અધિકારીઓને કર્નલ રેન્કમાં પ્રમોશન!

ભારતીય સેનાના પસંદગી બોર્ડે પાંચ મહિલા અધિકારીઓને કર્નલ રેન્કમાં પ્રમોશન આપવાનો માર્ગ મોકળો થઇ ગયો છે. ૨૬ વર્ષની નોકરી પૂર્ણ થયા પછી આ પ્રમોશન આપવામાં આવ્યું છે તેમ સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર પ્રથમ વખત સેનામાં સિગ્નલ કોર, ઇલેક્ટ્રોનિક અને મિકેનિકેલ એન્જિનિયર્સ કોર તથા એન્જિયર્સ કોરમાં મહિલા અધિકારીઓને કર્નલ રેન્કમાં પ્રમોશન આપવામાં આવ્યું છે.

મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે ભારતીય સેનાના પસંદગી બોર્ડે ૨૬ વર્ષની નોકરી પૂર્ણ કરવા બદલ પાંચ મહિલા અધિકારીઓને કર્નલ(ટાઇમ સ્કેલ) રેન્કમાં પ્રમોશન આપવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ મહિલા અધિકારીઓને કર્નલ રેન્કમાં પ્રમોશન ફક્ત આર્મી મેડિકલ કોર્પ્સ(એએમસી), જજ એડવોકેટ જનરલ(જેએજી) અને આર્મી એજયુકેશન કોર્પ(એઇસી)માં આપવામાં આવતું હતું.

જે પાંચ મહિલા અધિકારીઓને કર્નલ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે તેમાં કોર્પ્સ ઓફ સિગ્નલના લેફ્ટનન્ટ કર્નલ સંગીતા સરદના, કોર્પ્સ ઓફ ઇએમઇના લેફ્ટનન્ટ કર્નલ સોનિયા આનંદ અને લેફ્ટનન્ટ કર્નલ નવનીત દુગ્ગલ તથા કોર્પ્સ ઓફ એન્જિનિયર્સના લેફ્ટનન્ટ કર્નલ રનુ ખન્ના અને લેફ્ટનન્ટ કર્નલ રિત્ચા સાગરનો સમાવેથ થાય છે. ઉલ્લેખનીય છે કે થોડાક જ દિવસ પહેલા સુપ્રીમ કોર્ટે મહિલા ઉમેદવારોને નેશનલ ડિફેન્સ એકેડમી(એનડીએ)ની પરીક્ષામાં બેસવાની પરવાનગી આપી હતી. આ પરીક્ષા પાંચ સપ્ટેમ્બરના રોજ લેવાનારી છે.

બીજી તરફ ભારતીય સેનામાં મહિલા અધિકારીઓની પરમેનન્ટ કમિશનની લડાઇ હજુ પણ ચાલુ છે. સુપ્રીમ કોર્ટના આદેશ પછી સેનાએ ૬૧૫ મહિલા અધિકારીઆ માટે પરમેનન્ટ કમિશનના સ્પેશિયલ બોર્ડની રચના કરી હતી. જેમાંથી અનેકને પરમેનન્ટ કમિશન આપવામાં આવ્યું છે. પરંતુ જે મહિલાઓને પરમેનન્ટ કમિશન આપવામાં આવ્યું નથી તેમણે આરોપ મૂક્યો છે કે સેનાએ સુપ્રીમ કોર્ટના આદેશનો સંપૂર્ણપણે પાલન કર્યુ નથી. સેનાની ૨૮ મહિલા અધિકારીઓએ હવે આર્મ્ડ ફોર્સિસ ટ્રિબ્યુનલમાં ન્યાયની માગ કરી છે. આ મહિલા અધિકારીઓને સેનાએ ૧૨ સપ્ટેમ્બર સુધીમાં સેના છોડવાનો આદેશ આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *