નર્મદ જયંતિ: 24મી ઓગસ્ટે સુરતમાં જન્મ્યા હતા કવિ નર્મદ! જાણો તેમની જાણી-અજાણી વાતો

નર્મદશંકર સાહિત્યકાર-કવિ તરીકે જાણીતા છે.  આવો, તેમના અને તેમની સાહિત્ય જગત માં સફર વિષે થોડું જાણીએ..

ગુજરાતી ભાષામાં અગાઉ કોઈએ ન કર્યું હોય એવુ શબ્દ કોશ બનાવવાનું ભગીરથ કામ તેમણે હાથમાં લીધું હતું. એ માટે એ કેવી જહેમત લેતા હતા તેનું એક ઉદાહરણ..કવિ નર્મદે સુથાર પાસે લાકડાનું એક નાનકડું રમકડાં ગાડું બનાવડાવ્યું. એ પછી ગાડાના જૂદા જૂદા ભાગો પર સ્ટીકરો લગાડ્યા. તેના પર એ ભાગના નામ લખ્યા (જેમ કે ધૂંસરી, કઠેડો વગેરે). એ પછી ભાવનગરમાં રહેતા પોતાના મિત્રને એ ગાડું મોકલાવ્યું અને પૂછાવ્યુ કે આ બધા ભાગોને તમારા વિસ્તારમાં શું કહે છે? એ રીતે પહેરણના વિવિધ ભાગના નામો વિવિધ વિસ્તારમાં જાણવા માટે મોકલ્યા હતા. આ રીતે શબ્દો ભેગા કર્યા અને છેવટે સર્જન કર્યું નર્મકોશનું, જે હવે ગુજરાતી ભાષાના પ્રથમ શબ્દ કોશ તરીકે ઓળખાય છે.

નર્મદે આવી તો અનેક  માથાપચ્ચીસી કરીને ગુજરાતી સાહિત્યમાં પોતાનું સ્થાન અમર કર્યું છે. વંદના દેસાઈએ નર્મદના જન્મ-બાળપણ વિશે લખ્યું છે : ’નર્મદનેા જન્મ ઈ. સ. ૧૮૩૩ના ઑગસ્ટની ૨૪મી તારીખે સુરતમાં થયેા હતો. તેના પિતાનું નામ લાલશંકર, માતાનું નામ નવદુર્ગા અને અટક દવે હતી. તેઓ વડનગરા બ્રાહ્મણ હતા. પિતા લહિયાના ધંધા કરતા. પિતાની આર્થિક સ્થિતિ સારી હતી અને નાતમાં પ્રતિષ્ઠિત વ્યકિત તરીકે તેમની ગણના થતી. તેએ વ્યવહારકુશળ, ઉદ્યોગી, સતેાષી અને સ્નેહાળ હતા. નર્મદની માતા પ્રકૃતિએ કામળ હાવા છતાં પિતાના લાડપ્યારથી છેકરા બગડે નહીં એટલે નર્મદ પર ધાક રાખવા પ્રયત્ન કરતી.’ એ નર્મદે પછી તો સમય જતાં ગુજરાતી સાહિત્ય પર પોતાની ધાક જમાવી.

આજે પણ સૌરાષ્ટ્ર અને ચરોતરની ભાષા અલગ પડે અને કેટલાક શબ્દોના અર્થ સમજવા મુશ્કેલ થાય એવી સ્થિતિ છે. તો દોઢસો-પોણા બસ્સો વર્ષ પહેલા તો શબ્દો શોધવા અને પછી તેના અર્થ રજૂ કરવા મુશ્કેલ જ હતા. પણ મુશ્કેલ કામ નર્મદને તો કરવું જ હતું. નર્મદ પહેલા ગુજરાતીમાં ગુજરાતી-અંગ્રેજી કોશ તૈયાર થયા હતાં. પણ ગુજરાતી શબ્દોનો ગુજરાતી જ અર્થ હોય એવો સર્વગ્રાહી કોશ નર્મદે તૈયાર કરેલો નર્મકોશ હતો. ગુજરાતી વર્નાક્યુલર સોસાયટી પાસે ઘણી શક્તિઓ હોવા છતાં ૨૦ વર્ષ સુધી પ્રયાસ કરીને અંતે કોશકાર્ય પડતું મુકી દીધું હતુ. આર્થિક ભીંસ અને બીજી અનેક અગવડતાઓ છતાં નર્મદે એ કામ પૂરૃં કર્યું.

નર્મદનો મૂળ ઉદ્દેશ વિદ્યાર્થીઓને અઘરા શબ્દો સરળ રીતે સમજાવવાનો હતો. ૧૮૬૦થી શરૃ કરીને ૧૮૬૮ સુધી નર્મદે એ ગ્રંથ લખવાનું કામ કર્યું. એ પછી બીજો પડકાર તેને છપાવવાનો હતો. છપાવવાનું કામ શરૃ થયું ત્યા નર્મદના જ જ્ઞાતિબંધુ કેટલાક નાગરો આડા ફાટયા એટલે નર્મદે વળી દેવું કરીને પોતાના ખર્ચે કોશ છપાવવો પડયો. એ પ્રગટ થયો ત્યાં સુધીમાં ૧૮૭૩નું વર્ષ આવી ગયુ હતું. નર્મદે વિવિધ પ્રાંતમાં વપરાતા શબ્દો એકઠા કરીને કોશમાં યથાસ્થાને ગોઠવ્યા હતા. તો વળી ગુજરાતી ભાષાનું બદલાતું જતું સ્વરૃપ પણ તેમણે રજૂ કર્યું હતુ. નર્મકોશમાં કુલ મળીને ૨૫,૦૦૦થી વધુ શબ્દો હતા. સામાન્ય વ્યક્તિ આખી જિંદગીમાં આટલા બધા શબ્દો ક્યારેય વાપરતો હોતો નથી. એ પછી ઘણા કોશ તૈયાર થયા અને બધાએ નર્મકોશનો અનિવાર્યપણે આઘાર લીધો હતો.

નર્મ કવિતામાં નર્મદે પોતાની વિશિષ્ટ અદામાં તસવીર છપાવી હતી. તે પછી દલપતરામે તેમના કાવ્યસંગ્રહમાં તસવીરને બદલે દોહરો મૂકીને નર્મદની ટીકા કરતા લખ્યું હતું :
‘શું જોશો તનની છબી, તેમાં નથી નવાઈ
નીરખો મુજ મનની છબી, ભલા પરીક્ષક ભાઈ’

દલપતરામના આ દોહરાના જવાબમાં નર્મદના એક પ્રશંસક કવિએ દોહરો લખ્યો હતો :
‘નીરખીને તનની છબી, સંશય ઉપજે આમ,
આ તે દલપતરામ કે અમદાવાદી….’

દોહરામાં એક શબ્દ અધૂરો મૂકીને નર્મદ સમર્થક કવિએ સમજદાર વાચકોને ગમે એ શબ્દ મૂકીને રમૂજની છૂટ આપી હતી. દલપતરામના મિત્ર અને અંગ્રેજ અધિકારી ફાર્બસના અવસાન વખતે અંજલિમાં પણ ફાર્બસની પ્રશંસા વચ્ચે ય નર્મદે દલપતરામની ટીકા કરતા કહ્યું હતું, ‘કેટલાક ગુજરાતી ગ્રંથકારો તો ભોજસમાન આસરો એ સાહેબનો હતો. એ બિચારા હવે ટેકા વગરના થશે તે બહુ ખેદની વાત છે.’

દલપતરામે ઉત્તરાવસ્થાએ ધોળી ચોટલી ઊંચી કરીને કહ્યું હતું કે ‘હવે આને યુદ્ધવિરામની ધજા સમજો’. બંનેના મનમાં એકબીજા માટે કડવાશ હતી પરંતુ બંનેના પ્રશંસકોએ દલપત-નર્મદના ઝઘડામાં જેટલો રસ હતો એટલો બધો રસ આ બંને વિદ્વાનોને નહોતો. બંનેના મતભેદો ભલે સપાટી ઉપર આવતા રહેતા, તેમ છતાં બંનેએ ગુજરાતમાં કેળવણી, સુધારણા, સાહિત્ય-પત્રકારત્વ માટે ભારે મહેનત કરી હતી.

કવિ નર્મદે આત્મકથા કે જીવનવૃતાંત તૈયાર કરી નાખ્યું ત્યારે 1866માં તેમની ઉંમર માંડ 33 વર્ષ હતી. ત્યારે જોકે આત્મકથા શબ્દ પ્રચલિત ન હતો માટે એ ગ્રંથને ‘સ્વજીવન’ પ્રકારનો ગ્રંથ ગણવામાં આવતો હતો!  મારી હકીકતનું ગુજરાતી એ જમાના પ્રમાણેનું છે, જે આજે સમજવું કદાચ અઘરું લાગે અને ભુલભરેલું પણ લાગે પરંતુ એ ઐતિહાસિક છે. પોતાના જન્મની માહિતી આપતું વાક્ય નર્મદે લખ્યું છે, જે ૪૨ અક્ષરનું એટલે કે ખાસ્સુ લાંબુ છે. ‘અમારા’ના બદલે ‘હમારા’ શબ્દ વાપર્યો છે. ‘ત્યાંને’ બદલે ‘તાંહાં’ વપરાયુ છે. ‘પ્રકરણ’ને બદલે ‘વિરામ’ શબ્દ વપરાયો છે.

લખાણમાં પણ ફકરાઓને ૧, ૨, ૩.. એવો ક્રમ આપી દેવાયો છે, જે સામાન્ય રીતે આત્મકથાનક ગદ્યમાં નથી હોતુ. જેમ કે વિરામ ૩ (સને ૧૮૩૩થી ૧૮૪૫)માં આ પ્રમાણે લખ્યુ છેઃ ‘૧. પ્રસવવેળાએ મારી માને ઘણું દુખ થયુ હતું. હું જનમ્યો ત્યારે મારૃં માથું ઘણું જ લાંબુ હતું, તેથી ચહેરો વિચિત્ર દેખાતો હતો. (હમણાં તો માથું ઘણું જ ન્હાનું ગોળમટોળ જેવું છે.) છ મહિનામાં હું ઘુંટણિયાં તાણતો થયો.’

મારી હકીકત મૂળ તો બે કોલમ પહોળાઈના ૭૩ પાનાંઓમાં છપાઈ  હતી. આત્મકથામાં દસ વિરામ એટલે કે દસ પ્રકરણો છે. આત્મકથા પ્રગટ થયા પછી વિવાદ થશે અને સગાં-વ્હાલાઓને નહીં ગમે એ નર્મદને ખબર હતી. માટે તેમણે મૃત્યુ પછી જ પ્રગટ થાય તેની તકેદારી રાખી હતી. શું લખવાનું છે અને લખ્યા પછી શું થશે એ અંગે નર્મદ બહુ સ્પષ્ટ હતાં. માટે તેમણે લખ્યું છે, ‘આ હકીકતમાં જે લખવાનું ઘટતું નહીં જ વિચારૃં  તે તો હું નહીં જ લખુ, પણ જે જે હું લખીશ તે તો મારી જાણ પરમાણે સાચેસાચુ જ લખીશ, પછી તે મારૃં સારૃં સારૃં હો કે નરસું હો, લોકને પસંદ પડો કે ન પડો.’

નર્મદ સમાજ સુધારક હતા. ગુજરાતી સાહિત્યના ઈતિહાસમાં તેમના વિશે લખાયું છે કે તે સુધારાપક્ષનો સેનાની હતો. સુધારા માટે યુદ્ધના ધોરણે કામ શરૂ કર્યું. નાતના જમણમાં કાંચળી પહેર્યા વિના જમવા જવાનો કુરિવાજ હતો, તે દૂર કરાવ્યો. વિધવાવિવાહનું દૃષ્ટાંત પૂરું પાડ્યું. જદુનાથ મહારાજ સામે વિવાદ કરી ખોટી ધર્મસત્તાને પડકારી. વહેમ, અંધશ્રદ્ધા, અજ્ઞાન, ખોટા રીતરિવાજો દૂર કરવા ઝુંબેશ ઉપાડી. કુધારાનું ખંડન કર્યું. સુધારાનું મંડન કર્યું. અને એવા તો અનેક કામો કર્યા, જેના કારણે આજે ગુજરાતી ભાષાના ઈતિહાસમાં તેઓ અમર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *