અફઘાિસ્તાન થી ભારત આવેલા 16 લોકો કોરોના પોઝિટિવ, હાલ ક્વોરેન્ટાઈન કરાયા

અફઘાનિસ્તાનમાંથી રેસ્ક્યુ કરીને લોકોને ભારત લાવવાનું મિશન સતત ચાલુ છે. મંગળવારે અફઘાનિસ્તાનથી દિલ્હી પાછા આવેલા કુલ 78 મુસાફરોમાંથી 16 લોકો કોરોના પોઝિટિવ નોંધાયા છે. જાણવા મળ્યા મુજબ કાબુલથી ગુરૂગ્રંથ સાહિબ લઈને આવેલા 3 ગ્રંથી પણ કોરોના વાયરસની લપેટમાં આવ્યા છે. જોકે રાહતની વાત એ છે કે, તે સૌમાં કોરોના વાયરસના કોઈ જ લક્ષણ નથી.

કોરોના વાયરસનો રિપોર્ટ આવ્યા બાદ તમામ 78 લોકોને હવે ક્વોરેન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી અને અન્ય નેતા, અધિકારીઓ પણ તે સૌના સંપર્કમાં આવ્યા હતા.

અફઘાનિસ્તાનના કાબુલથી સતત ભારતીય વાયુસેનાના વિમાનો દ્વારા લોકોને લાવવામાં આવી રહ્યા છે. તેમાં ભારતીય નાગરિકોની સાથે સાથે અફઘાની નાગરિકોનો પણ સમાવેશ થાય છે. તે અનુસંધાને ગત રોજ 78 લોકોને લાવવામાં આવ્યા હતા અને તેમના સાથે ગુરૂગ્રંથ સાહિબની 3 પ્રતિઓને કાબુલથી પાછી લાવવામાં આવી હતી.

ભારતે અત્યાર સુધીમાં 500 કરતા વધારે લોકોને અફઘાનિસ્તાનમાંથી સુરક્ષિત બહાર કાઢ્યા છે. જ્યારે એમ્બેસીમાં કામ કરતા સ્ટાફને પહેલા જ કાબુલથી પાછો લાવી દેવામાં આવ્યો છે. ભારત દરરોજ 2 વિમાનો દ્વારા લોકોને રેસ્ક્યુ કરી રહ્યું છે. જોકે અફઘાનિસ્તાનમાંથી પાછા લાવવામાં આવેલા લોકો સાથે સતર્કતા પણ વર્તવામાં આવી રહી છે. કોરોના વાયરસના સંકટને ધ્યાનમાં રાખીને લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવી રહ્યા છે અને તેમના ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *