સુપ્રીમ કોર્ટે વીડિયોકોન ટેલિકોમ્યુનિકેશનના એજીઆરની બાકી રકમના કેસમાં ભારતી એરટેલને આંશિક રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે ટેલિકોમ વિભાગને ભારતી એરટેલની બેંક ગેરંટી ત્રણ મહિના સુધી કેશ નહીં કરવાનો આદેશ આપ્યો છે.
ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન (ડીઓટી)એ 17 ઓગસ્ટે એરટેલને નોટીસ મોકલીને જણાવ્યું હતું કે જો તે એક સપ્તાહની અંદર 1376 કરોડ રૂપિયાની બાકી રકમ નહીં ચૂકવે તો તેની બેંક ગેરંટી કેશ કરી લેવામાં આવશે.
જો કે ન્યાયમૂર્તિ એલ નાગેશ્વર રાવના નેતૃત્ત્વવાળી ખંડપીઠે ભારતી એરટેલને રાહત માટે ટેલિકોમ ડિસપ્યુટ સેટલમેન્ટ એન્ડ એપિલેટ ટ્રિબ્યુનલ (ટીડીએસએટી)માં જવાની મંજૂરી આપી છે. ન્યાયમૂર્તિ એલ નાગેશ્વર રાવ, ન્યાયમૂર્તિ એસ અબ્દુલ નઝીર અને ન્યાયમૂર્તિ એમ આર શાહની બનેલી ખંડપીઠે પોતાના આદેશમાં જણાવ્યું છે કે આજથા ત્રણ સપ્તાહ સુધી ટેલિકોમ વિભાગને ભારતી એરટેલની બેંક ગેરંટી કેશ નહીં કરવાનો આદેશ આપવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે ભારતી એરટેલે વીડિયોકોન પાસેથી સ્પેકટ્રમ ખરીદ્યું હતું. વીડિયોકોને 2016માં 6 સર્કલમાં 1800 મેગાહર્ટ્ઝ બેન્ડમાં સ્પેક્ટ્રમના અિધકાર ભારતી અરટેલને 4428 કરોડ રૂપિયામાં વેચ્યા હતાં. ભારતી એરટેલને માનવું છે કે વીડિયોકોને પોતે જ આ બાકી રકમની ચુકવણી કરવી જોઇએ. જો કે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે ડીઓટીએ ભારતી એરટેલને જે નોટિસ મોકલી છે તે સુપ્રીમ કોર્ટના આદેશને અનુરૂપ મોકલી છે.
ડીઓટીએ સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવિટ દાખલ કરી જણાવ્યું હતું કે એરટેલે વીડિયોકોનની બાકી રકમ ચૂકવવાનો ઇનકાર કરી દીધો છે. વીડિયોકોન પર 1376 કરોડ રૂપિયાનું એજીઆર બાકી છે. સુનીલ મિત્તલના નેતૃત્ત્વવાળી કંપની ભારતી એરટેલે દાવો કર્યો છે કે તે સરકારને એજીઆરની બાકી રકમ પેટે અત્યાર સુધી 18004 કરોડ રૂપિયાની ચુકવણી કરી ચૂકી છે.