આજે ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાવવાની છે. જેમાં કોરોનાની ત્રીજી લહેરની ચિંતા વચ્ચે વર્તમાન સ્થિતિ પર ચર્ચા થશે. રાજ્યમાં વરસાદની ઘટ હોવાથી પીવા અને સિંચાઈના પાણીની વ્યવસ્થા તેમજ અબોલ પશુઓના ઘાસચારાને લઈને પણ ચર્ચા થશે. ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરવા માટે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે. તદુપરાંત શિક્ષક સજ્જતા સર્વેક્ષણના વિરોધનું અવલોકન પણ કરવામાં આવશે. પાંચમી સપ્ટેમ્બરે વડાપ્રધાનના ગુજરાત પ્રવાસની તૈયારીઓ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, સરકાર છેલ્લાં કેટલાંય સમયથી રાજ્યમાં ધોરણ 6થી 8નાં વર્ગો શરૂ કરવા મામલે વિચારણા કરી રહી છે તેમજ રાજ્યમાં વરસાદ પાછો ખેંચાયો હોવાંથી ખેડૂતોને પાણીની અગવડતા પડતી હોવાના કારણે આજે બેઠકમાં મહત્વની ચર્ચા વિચારણા કરવામાં આવશે.
આ સાથે ગત રોજ રાજ્યમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક સ્કૂલોના શિક્ષકોની સજ્જતા તપાસવા માટે સર્વેક્ષણ કસોટી જાહેર કરવામા આવી હતી. શૈક્ષિક સંઘના બહિષ્કાર અને કોર્પોરેશન સ્કૂલોના શિક્ષકોના ઉગ્ર વિરોધ તેમજ વિવાદ વચ્ચે આજે યોજાયેલી આ કસોટીમાં સરકારના દાવા મુજબ ૩૭ ટકા શિક્ષકોએ પરીક્ષા આપી છે અને ૬૫ ટકા જેટલા શિક્ષકો ગેરહાજર રહ્યાં હતાં. જેથી આ મામલે પણ રાજ્ય સરકાર દ્વારા આજની આ બેઠકમાં અવલોકન કરવામાં આવશે.