” ધર્મમ રક્ષિત રક્ષિત:” મતલબ આપણે જો આપણા ધર્મનું રક્ષણ કરશું, તો ધર્મ આપણું રક્ષણ કરશે.
માનવજીવ અને સૃષ્ટિમાંના અન્યજીવો, વનસ્પતિનું અસ્તિત્વ એ પૃથ્વી પરનું સૌથી મોટું સત્ય છે, તો આ બધા સજીવો ધરતી ઉપર કોઈ ચોક્કસ હેતુને લઈને આવ્યા છીએ . આ ચોક્કસ ઉદ્દેશ્યની પૂર્તિ માટે ખાસ ફરજોનું પાલન કરવું એ જ માનવધર્મ છે. સનાતનધર્મનો આધારસ્તંભ મુખ્યત્ત્વે માનવ ફરજો જ છે. માનવે પોતાના દેહ પ્રત્યેની જરૂરિયાતો નિભાવવી, પોતાના પરિવાર પ્રત્યેની જવાબદારીઓ અદા કરવી, સમાજ અને દેશ પ્રત્યેની ફરજો બજાવવી પરમાત્મા પ્રત્યે કૃત્જ્ઞાતા પ્રગટ કરવી, આ આપણો ધર્મ છે.
આ બધી ફરજો બજાવવા શરીરનું સ્વસ્થ હોવાનું ખૂબ આવશ્યક છે. આના માટે આપણામાં કહેવાય છે ને કે ‘ શરીરમ ધર્મ ખલુ સાધનમ’ અર્થાતઃ માનવ ધર્મનું પાલન કરવા માટે તેનો દેહ એક ઉત્તમ સાધન છે. શરીરની નાની મોટી તકલીફ પ્રત્યે ધ્યાન આપવું એ આપણી પ્રાથમિક ફરજ છે.
અનાદિકાળથી ચાલતા આવતા સનાતન ધર્મમાં શરૂઆતમાં માત્ર પરમબ્રહ્મ પરમેશ્વર દિવ્યપ્રકાશ તેમજ હિરણ્યગર્ભ વિશે નો જ ઉલ્લેખ હતો. અને મનુષ્યો માત્ર તેઓની ઉપાસના કરતા હતા. પરંતુ સમયજતાં, સ્થળ અને કાળ પ્રમાણે આ સનાતનધર્મમાં અનેક પેટાધર્મ, પંથો, સંપ્રદાય અને જ્ઞાાતિઓ ભેગા થયા અને પથ્થર એટલા દેવ’ જેવી પરિસ્થિતિ થવા લાગી.
સનાતન ધર્મ અનુસાર આ સમગ્ર સૃષ્ટિનું સંચાલન પરમબ્રહ્મા દ્વારા થાય છે. તેમની ત્રણેય શક્તિઓ બ્રહ્માજી, વિષ્ણુજી અને મહેશજી દ્વારા આ કાર્ય પૂર્ણ થતું હોય છે. તેમને મા પરામ્બા પરાશક્તિ તેમની ત્રણેય દેવીઓ મા સરસ્વતી મા મહાલક્ષ્મી અને મા મહાકાલી સહાય કરે છે.
સનાતન ધર્મમાં સમાજ કોઈ વર્ગમાં વહેંચાયેલ હોતો નથી. પરંતુ વ્યકિતઓ અંગત પણે માત્ર તેમના કૌશલ્ય અને તેમની ફરજો, કાર્યો પરથી ઓળખાય છે.સનાતન ધર્મ પ્રમાણે પવિત્રવેદો જેવા કે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અને અર્થર્વવેદ એ સર્વોત્તમ ગ્રંથ છે. આવા પવિત્રનું શ્રેષ્ઠ જ્ઞાાન માનવીના વ્યકિતગત સામાજિક અને અધ્યાત્મિક જીવન માટે દીવાદાંડી સ્વરુપ બનતું હોય છે.
સનાતન ધર્મની પરમ્પરા અનુસાર, આદિ જગદ્ગુરુ શંકરાચાર્યજીએ દેશનાં ચારેય ખૂણે સમાજમાં સનાતનધર્મમાં સમાજનાં લોકોમાં સંપ, સુમેળ તથા શિસ્તની ભાવના પેદા થાય માટે ચાર પીઠોની સ્થાપના કરી છે. આ દરેક પીઠોનાં શંકરાચાર્યજીઓ સનાતન ધર્મની પ્રવૃત્તિઓ તથા સ્થળ, કાળ પ્રમાણે તેમની આચાર સંહિતાઓનું નિયમન કરે છે. અહીં આપણે સૌ હાર્દિક પણે ઇચ્છીએ કે અનેકવિધ પંથો, સંપ્રદાયો, વર્ગો, એક સનાતન માનવ ધર્મ નેજા હેઠળ, જગતનાં કલ્યાણ અને સુખાકારી માટે સૌ એક જૂથ થઈને સેવાકાર્ય કરે.