ભારતે કાબુલ એરપોર્ટ નજીક થયેલા ઘાતક બોમ્બ બ્લાસ્ટની આકરી ટીકા કરી છે. ભારતે કહ્યુ છે કે આ બ્લાસ્ટએ એક વાર ફરી દુનિયાને આતંકવાદ વિરૂદ્ધ એક થવાની વાત પર જોર આપ્યુ છે. વિદેશ મંત્રાલયે કહ્યુ કે આ આતંકી હુમલાઓએ આતંક અને આતંકવાદીઓને શરણ આપનારા વિરૂદ્ધ દુનિયાને એકમત સાથે ઉભા થવાની આવશ્યકતાને સુદ્રઢ કર્યા છે. ગુરૂવારે કાબુલ એરપોર્ટ નજીક બે આત્મઘાતી હુમલાખોરો અને બંદૂકધારીઓ તરફથી ભીડ પર કરવામાં આવેલા હુમલામાં ઓછામાં ઓછા 72 લોકોના મોત થઈ ગયા છે.
જેમાં 13 અમેરિકી સૈનિક છે જ્યારે અન્ય અફઘાન નાગરિક છે. હુમલામાં 140થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન ISIS-K ( ISIS-Khorosan ) એ ઘાતક હુમલાની જવાબદારી લીધી છે.કાબુલ એરપોર્ટ નજીક બોમ્બ બ્લાસ્ટની ભારતે કડક નિંદા કરી છે. મિનિસ્ટ્રી ઑફ એક્સટર્નલ અફેર્સના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યુ કે આ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવાર પ્રત્યે અમારી હાર્દિક સંવેદના છે. બોમ્બ બ્લાસ્ટ બાદ એરપોર્ટ પર અફરા-તફરી મચી રહી. એરપોર્ટથી આવેલી તસવીરમાં લોકો લોહીલુહાણ થઈને ભાગતા જોવા મળ્યા. પહેલો બ્લાસ્ટ એરપોર્ટના અબ્બે ગેટ પર થયો તો બીજો બ્લાસ્ટ બરૂન હોટલ નજીક થયો.
આ બધા વચ્ચે શહીદ સૈનિકોને સન્માન આપવા માટે અમેરિકાનો રાષ્ટ્રીય ધ્વજ ઝુકેલો રહેશે. વ્હાઈટ હાઉસ દ્વારા મળતા અહેવાલ પ્રમાણે અમેરિકાનો રાષ્ટ્રીય ધ્વજ 30 ઓગષ્ટની સાંજ સુધી અડધી કાઠીએ રહેશે. ઉલ્લેખનીય છે કે, કાબુલ એરપોર્ટ પર થયેલા વિસ્ફોટોમાં 13 અમેરિકી સૈનિકોના મોત થયા હતા અને 18 કરતા વધારે સૈનિકોને ઈજાઓ પહોંચી હતી.
કાબુલમાં થયેલા બ્લાસ્ટની આતંકી સમૂહ ISIS-Kએ જૂથના ટેલીગ્રામ એકાઉન્ટ પર કાબુલ એરપોર્ટ પર થયેલા ઘાતક હુમલાની જવાબદારી લીધી છે. બ્રિટિશ ડિફેન્સ સૂત્રોએ જણાવ્યુ કે બંને વિસ્ફોટ કાર બોમ્બ અને આત્મઘાતી હુમલાથી કરવામાં આવ્યા છે. હુમલાખોરોએ તે લોકોને નિશાન બનાવીને હુમલો કર્યો જે ગરમીથી બચવા માટે ઘૂંટણ સુધીના પાણી વાળી નહેરમાં ઉભા હતા અને આ દરમિયાન મૃતદેહ પાણીમાં વિખેરાઈ ગયા.