વડાપ્રધાન જનધન યોજનાને સાત વર્ષ પૂર્ણ થઇ ગયા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જનધન યોજનાથી લાખો પરિવારોની જિંદગી બદલાઇ ગઇ છે. બીજી તરફ છેલ્લા સાત વર્ષમાં જનધન યોજના અંતર્ગત દેશભરમાં 43 કરોડ ખાતા ખોલવામાં આવ્યા છે. આ યોજના અંતર્ગત શૂન્ય બેલેંસ સાથે ખાતા ખોલી આપવામાં આવે છે. 28મી ઓગસ્ટ 2014ના રોજ જનધન યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 43.04 બેંક ખાતા ખોલવામાં આવ્યા છે. જેમાં કુલ 1.46 લાખ કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે.
કુલ જનધન ખાતા ધારકોમાંથી 31.33 કરોડ પાસે રૂપે ડેબિટ કાર્ડ પણ છે. નાણા મંત્રી નિર્મલા સિતારામને કહ્યું હતું કે જનધન યોજના અંતર્ગત જે કુલ 43 કરોડ ખાતા ખોલવામાં આવ્યા છે તેમાંથી 23.87 કરોડ ખાતા મહિલાઓના છે. જ્યારે આમાંથી કુલ 36.86 કરોડ ખાતા હાલ ચાલુ એટલે કે ઓપરેટ છે.
આરબીઆઇના જણાવ્યા અનુસાર જો કોઇ જનધન ખાતામાં બે વર્ષમાં કોઇ જ ટ્રાંઝેક્શન ન થયું હોય તો આવા ખાતાને ઇન-ઓપરેટિવ માનવામાં આવે છે. આ યોજના અંતર્ગત માત્ર પુખ્ત કે વૃદ્ધો જ નહીં 10 વર્ષથી ઓછી વયના બાળકોના ખાતા પણ ખોલી શકાય છે. આ ખાતુ ખોલાવવાથી બે લાખ રૂપિયાનો અકસ્માત વિમો, 30 હજાર રૂપિયાનું લાઇફ કવર અને જમા રકમ પર વ્યાજ પણ મળે છે. જનધન ખાતુ કોઇ પણ બેંકમાં ખોલાવી શકાય છે.