અફઘાનિસ્તાનના કુલ 34 પ્રાંતોમાંથી પંજશીર એકમાત્ર એવો પ્રાંત છે જે હજુ પણ તાલિબાન આતંકવાદીઓના નિયંત્રણમાંથી બહાર છે. ત્યાં, રાષ્ટ્રપ્રેમી અફઘાનોનું શાસન હજુ ચાલુ છે, તાલિબાનનું નહીં. પરંતુ અકળાયેલા તાલિબાનીઓએ શુક્રવારથી પંજશીર પ્રાંતમાં ઈન્ટરનેટ, કોલ અને મેસેજિંગ સેવાઓ બંધ કરી દીધી છે.
પંજશીર તાલિબાન સામે અફઘાન પ્રતિરોધક દળનો ગઢ છે, જે હાલમાં શેર-એ-પંજશીરના પુત્ર અહેમદ મસૂદ જુનિયર દ્વારા સંચાલિત છે. પંજશીરમાં અત્યારે કેટલાક મોટા તાલિબાનની ખિલાફત કરનારા પૂર્વ સૈન્ય કમાન્ડર હાજર છે જે દેશ છોડીને ગયા નથી. તેમાં અફઘાનિસ્તાનના કાર્યવાહક રાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહ, અફઘાનિસ્તાનના રક્ષા મંત્રી બિસ્મિલ્લાહ ખાન મોહમ્મદી જેવા મોટા નામ હાજર છે. આ લોકો અફઘાનિસ્તાનને આ આતંકના કબ્જાથી છોડાવવા માટે યોજના બનાવી રહ્યા છે.
અગાઉ તાલિબાને 23 ઓગસ્ટે પંજશીર પર કબ્જો કરવા માટે 3 હજાર તાલિબાની યોદ્ધાઓને પંજશીરની સરહદ પર મોકલ્યા હતા પરંતુ વધતા આંતરરાષ્ટ્રીય દબાણના કારણે તાલિબાની યોદ્ધાઓએ હજુ પંજશીર પર હુમલો તો કર્યો નથી પરંતુ દાવો કર્યો કે તાલિબાન પંજશીર પર કબ્જો શાંતિના માર્ગ અને વાતચીતથી કરવા માગે છે. હવે આશંકા વર્તાઈ રહી છે કે તાલિબાન પંજશીર પર કબ્જો કરવા માટે ક્યારેય પણ હિંસક રૂપ અપનાવી શકે છે.