આજથી ખુલશે બંધ વર્ગો ના તાળા, ગુજરાતમાં ધો-6થી 8ના ક્લાસ શરુ

કોરોના વૈશ્વિક મહામારીમાંથી ગુજરાત હવે ધીમેધીમે અનલોક થઈ રહ્યું છે. આજથી ધો-6થી 8ના વર્ગો શરૂ થશે. તેના માટે અમદાવાદ સહિત અનેક શહેરોમાં શાળાઓ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે. વર્ગની સાફ સફાઈ અને સેનિટાઈઝેશન કામગીરી પણ કરી નાંખવામાં આવી છે.

નોંધનીય છેકે આ મહિનાથી એટલે કે સપ્ટેમ્બરથી દેશનાં અનેક રાજ્યોમાં પ્રાથમિક શાળાઓ ફરી ધમધમશે. શાળાઓ શરૂ કરવાની સાથે વાલીઓ અને શિક્ષકોમાં એક ડર પણ છે કે બાળકોમાં કોરોનાનાં કેસ વધ્યા તો શું થશે ? આમ તો કોરોનાકાળમાં શાળાઓ શરૂ કરવા માટે કડક ગાઇડલાઇન્સ બનાવાઇ છે.

અત્યાર સુધી માત્ર ધોરણ 9થી 12નાં વિદ્યાર્થીઓ જ આવતા હતા, ત્યારે હવે 6થી 8ના વર્ગના નાના બાળકો પણ હવે શાળાએ આવવાનું શરૂ કરશે. રાજધાની દિલ્હીમાં ધોરણ 9થી 12ની શાળાઓ શરૂ થઇ રહી છે. હરિયાણામાં ધોરણ 4 અને 5નાં બાળકો શાળાએ આવવાની શરૂઆત કરશે. ઉત્તરપ્રદેશમાં ધોરણ 1 થી 5ની શાળાઓ 1 સપ્ટેમ્બરથી શરૂ થઇ ગઇ છે. મધ્યપ્રદેશમાં ધોરણ 6 થી 12નાં બાળકોનો અભ્યાસ પણ ઓફલાઇન શરૂ થઇ રહ્યા છે.

કર્ણાટકમાં 18 મહિના બાદ ધોરણ 9 થી 12નાં વર્ગો શરૂ થઇ રહ્યાં છે. રાજસ્થાનમાં પણ ધોરણ 9 થી 12નાં વર્ગો શરૂ કરાઇ રહ્યાં છે. અસમમાં ધોરણ 10 થી 12ની શાળાઓ ફરી ધમધમતી થનાર છે. ગુજરાતમાં આજથી (2 સપ્ટેમ્બરથી) ધોરણ 6 થી 8નાં વર્ગો શરૂ થઇ રહ્યાં છે. અલબત્ત બધા જ સ્થળે કોરોનાની ગાઇડલાઇન્સ તો લાગુ કરવાની જ છે.

કોરોના ગાઇડલાઇન પ્રમાણે શાળામાં 50 ટકા બેઠક ક્ષમતા, માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સિંગ, સ્ટાફનું રસીકરણ, લંચ-ટીફીન-પાણીની બોટલ ઘરેથી લાવવી વગેરે વગેરે નિયમો અનિવાર્ય છે. આ સાથે બાળકોને શાળાએ આવવાનું મરજિયાત રહેશે. સાથે જ બાળકોને શાળાએ મોકલવા કે નહિં તેનો નિર્ણય વાલીઓ પર છોડવામાં આવ્યો છે. બાળકોએ વાલીઓનું સંમતિપત્ર આપવાનું ફરજિયાત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *