આધાર-પાન કાર્ડ લિંકથી લઈને આધાર-પીએફ લિંક અને ચેક ક્લિયરન્સ તેમજ જીએસટીઆર૧ જેવા નિયમોમાં ૧લી સપ્ટેમ્બરને બુધવારથી ફેરફાર થયા છે, જેની સામાન્ય લોકોના જનજીવન પર સીધી અસર થશે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)એ તેના ગ્રાહકોને ૩૦મી સપ્ટેમ્બર સુધીમાં પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું હતું. બેન્ક અધિકારીઓના જણાવ્યા મુજબ આ નિયમનું પાલન નહીં કરનારા ખાતાધારકે ભવિષ્યમાં નાણાકીય વ્યવહારોમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. અગાઉની માર્ગદર્શિકા મુજબ બેન્ક ખાતામાં રૂ. ૫૦,૦૦૦થી વધુની રકમ જમા કરાવવા માગતા ખાતાધારકનું ખાતું પાન સાથે લિંક હોવું જોઈએ.
દેશમાં ૧લી સપ્ટેમ્બરથી એમ્પ્લોયર્સ યુનિવર્સલ એકાઉન્ટ નંબર (યુએએન) સાથે જે કર્મચારીનો આધાર નંબર લિંક હશે માત્ર તેના પ્રોવિડન્ટ ફંડના ખાતામાં તેમનું યોગદાન જમા કરાવી શકશે. એમ્પ્લોઈસ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (ઈપીએફઓ)એ કોડ ઓફ સોશિયલ સિક્યોરિટી, ૨૦૨૦ની કલમ ૧૪૨માં સુધારો કરીને પેમેન્ટ મેળવવા સહિતના વિવિધ સેવાઓ અને લાભ મેળવવા માટે આધાર અને પીએફ ખાતાને લિંક કરવું ફરજિયાત કર્યું છે.
૧લી સપ્ટેમ્બરથી ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) માટે નવો નિયમ અમલમાં આવ્યો છે. જીએસટીએને જણાવ્યું હતું કે, નવા નિયમ મુજબ હવે જીએસટીઆર-૧ ફાઈલ કરતી વખતે બધી જ વિગતો સેન્ટ્રલ જીએસટી રુલની કલમ ૫૯(૬)ને અનુરૂપ સબમીટ કરાવવાની રહેશે. નવા પ્રોટોકોલ મુજબ કોઈપણ વ્યક્તિ જીએસટીઆર-૩બી ફોર્મ ભરે નહીં ત્યાં સુધી તે જીએસટીઆર-૧ ફાઈલ નહીં કરી શકે.
ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)એ ચેક મારફત થતી નાણાકીય છેતરપિંડી અટકાવવા માટે ચેક ઈશ્યુ કરનારની વિગતો વેરીફાઈ કરવા વર્ષ ૨૦૨૦માં ચેક ક્લિયરિંગ માટે નવી પોઝિટિવ પે સિસ્ટમ અમલી બનાવી હતી. આ સિસ્ટમ ૧લી જાન્યુઆરીથી અમલમાં આવી છે. જોકે, એક્સિસ બેન્કે ૧લી સપ્ટેમ્બરથી નવી સિસ્ટમનો અમલ શરૂ કર્યો છે. ચેક ક્લિયરન્સની નવી સિસ્ટમ હેઠળ ઊંચા મૂલ્યના ચેક ઈશ્યુ કરનાર ગ્રાહકોએ તેમની બેન્કોને તેની જાણ કરવી ફરજિયાત કરાયું છે.