અફઘાનિસ્તાનમાંથી અમેરિકન દળોની વિદાય પછી નવી સરાકરની રચનાને અંતિમ ઓપ અપાઈ ગયો છે. અફઘાનિસ્તાનમાં ભૂખમરા અને આર્થિક બેહાલી વચ્ચે શુક્રવારે કાબુલમાં નવી સરકારની જાહેરાત કરાય તેવી સંભાવના છે. રાષ્ટ્રપતિ ભવનમાં શપથ ગ્રહણ સમારંભની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. તાલિબાનના સર્વોચ્ચ નેતા મુલ્લા હેબતુલ્લા અખુંદઝાદા અફઘાનિસ્તાનના સર્વોચ્ચ વડા હશે. તાલિબાનના સ્થાપક મુલ્લા ઉમરના પુત્ર મુલ્લા યાકુબ, સહ-સંસ્થાપક અબ્દુલ ગની બરાદર અને હક્કાની નેટવર્કના નેતા સિરાજુદ્દીન હક્કાની પણ સરકારમાં સામેલ થવાની સંભાવના છે.
તાલિબાનના અધિકારી અહમદુલ્લા મુત્તાકીએ ઈન્ટરનેટ મીડિયા પર જણાવ્યું કે કાબુલ સ્થિત રાષ્ટ્રપતિ ભવનમાં સમારંભની તૈયારીઓ ચાલી રહી છે. નવી સરકારની રચનામાં માત્ર કેટલાક દિવસ બાકી રહ્યા છે. આ પહેલાં સમાચાર એજન્સી સ્પુતનિકના અહેવાલ મુજબ તાલિબાનો શુક્રવારે નવી સરકારની રચનાની જાહેરાત કરી શકે છે.
તાલિબાનના સાંસ્કૃતિક પંચના સભ્ય અનામુલ્લા સમાંગાનીએ કહ્યું હતું કે, તાલિબાનના ૬૦ વર્ષીય નેતા મુલ્લા અખુંદઝાદા નવી સરકારના નેતા હશે. અમારી નવી ઈસ્લામિક સરકારનું બંધારણ લગભગ તૈયાર છે. કેબિનેટ અંગે જરૂરી નિર્ણયો લેવાઈ રહ્યા છે. અમે ઈરાન જેવી શાસનપદ્ધતિ અપનાવીશું. ઈરાનમાં સુપ્રીમ નેતા અયાતોલ્લા ખોમૈનિ દેશમાં સર્વોચ્ચ રાજકીય અને ધાર્મિક નેતા છે. તે રાષ્ટ્રપતિથી પણ ઉપર હોય છે અને સૈન્ય, સરકાર તથા ન્યાયતંત્રના વડાની નિમણૂક તે કરે છે.
સમાંગાનીએ કહ્યું કે, નવી સરકારની વ્યવસ્થા હેઠળ પ્રાંતો અને જિલ્લાઓનું નિયંત્રણ ગવર્નર કરશે. દરેક પ્રાંત તથા જિલ્લાના ગવર્નર, પોલીસ વડા અને પોલીસ કમાન્ડરની નિમણૂકો થઈ ગઈ છે. નવી સરકારની સિસ્ટમ, રાષ્ટ્ર ધ્વજ અને રાષ્ટ્રગીત હજી નક્કી કરાયા નથી. અખુંઝાદા કંદહારમાંથી તાલિબાનની સરકાર પર દેખરેખ રાખશે.
બીજીબાજુ કતારની રાજધાની દોહા સ્થિત તાલિબાનની રાજકીય ઓફિસના ઉપનેતા શેર મુહમ્મદ અબ્બાસે વિદેશી મીડિયાને જણાવ્યુંકે અફઘાનિસ્તાનના બધા જ કબિલાની મહિલાઓ અને સભ્યોનો નવી સરકારમાં સમાવેશ કરાશે. પરંતુ છેલ્લા ૨૦ વર્ષ દરમિયાન સરકારોમાં સામેલ લોકોને તાલિબાનના નવા શાસનમાં જગ્યા નહીં અપાય.
તાલિબાનોએ ૧૫મી ઑગસ્ટે કાબુલ પર કબજો કર્યા પછી નવી સરકારની રચનાની પ્રક્રિયા ચાલી રહી હતી. સોમવારે અમેરિકન સૈનિકોએ દેશ છોડી દીધા પછી સરકાર રચવાની પ્રક્રિયામાં ઝડપ આવી છે. અલજઝીરાના અહેવાલ મુજબ કાલુબ એરપોર્ટ પરથી શુક્રવારથી ઘરેલુ ઉડ્ડયન શરૂ થઈ જશે. અમેરિકન સૈન્યે સોમવારે વિદાય લીધા પછી કાબુલ એરપોર્ટ બંધ છે. કતારના વિદેશ મંત્રીએ કહ્યું કે કતાર કાબુલ એરપોર્ટથી વિમાનોનું સંચાલન ફરીથી શરૂ કરવા માટે તાલિબાન અને તૂર્કી સાથે વાતચીત કરી રહ્યું છે.