કેવડિયા ખાતે ભાજપની પ્રદેશ કારોબારી 1 સેપ્ટમ્બર થી શરૂ થઈ હોવાથી મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિત મંત્રી મંડળના તમામ સભ્યો કેવડિયા પહોંચી ગયા છે. પરિણામે સચિવાલયનું મોટાભાગનું કામ ઠપ્પ થઈ ગયું છે. જેના કારણે મંત્રીઓની ઓફિસથી લઈને સચિવાલય સુમસામ બની ગઈ છે. મંત્રીઓ વિનાના સચિવાલયમાં અધિકારીઓ અને કાર્યકરોની ચહલ પહલ પણ એકદમ ઘટી ગઈ છે.
બીજી તરફ મંત્રીઓની અનુપસ્થિતિના કારણે વિધાનસભા સત્રના જવાબોની ફાઈલોથી માંડીને વહીવટી વિભાગની ફાઇલો તેમજ મોટા ભાગના નીતિ વિષયક નિર્ણયો પણ અટવાઈ પડ્યા છે. ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારીની બેઠક ત્રણ દિવસ સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મળી રહી છે.
કેવડિયા ખાતેની ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારીની બેઠક શરૂ થવાના કારણે ગાંધીનગરમાં રાજકીય શૂન્યાવકાશ સર્જાયો છે. સમગ્ર રાજકીય ગતિવિધિ કેવડિયા ખાતે કેન્દ્રિત થતા વહિવટી વિભાગ માટે કરવામાં આવતા મોટાભાગના નિર્ણયો અટવાઈ જવા પામ્યા છે. નોંધનિય છેકે આમ તો છેલ્લા એક મહિનાથી એટલે કે લોકડાઉન હળવું કર્યા બાદ ધારાસભ્યો અને સાંસદોની સચિવાલયમાં થતી અવરજવર પાંખી જોવા મળી રહી છે.
ગુજરાત ભાજપના પ્રદેશ કારોબારીની બેઠક કેવડિયા કોલોની સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક નર્મદા ટેન્ટ સિટી-2માં ચાલી રહી છે. કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી ગઈ કાલે સવારે કેવડિયા પહોંચ્યા હતા અને તેમણે ભાજપ પ્રદેશ કારોબારીની બેઠકનો પ્રારંભ કરાવ્યો હતો. કારોબારી બેઠકમાં કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે સમગ્ર ભારતમાં આતંકવાદ નથી એ પીએમ મોદીને આભારી છે.