તાલીબાનના પંજશીર ઘાટી પર કબજાની હજી સુધી કોઈ પુષ્ટિ કરાઈ નથી, પૂર્વ ઉપરાષ્ટ્રપતિએ કહ્યું આ અફવા છે

અફઘાનિસ્તાનમાં(Afghanistan) તાલિબાન (Taliban) સરકારની રચનાની જાહેરાતના એક દિવસ પહેલા શુક્રવારે તાલિબાને દાવો કર્યો હતો કે તેણે પંજશીરને (Panjshir) પણ કબજે કરી લીધું છે. તાલિબાનના સૂત્રોને ટાંકીને ન્યૂઝ એજન્સીએ કહ્યું કે તાલિબાને હવે સમગ્ર અફઘાનિસ્તાન પર કબજો જમાવવાનો દાવો કર્યો છે. તાલિબાને કહ્યું કે હવે પંજશીર અમારા નિયંત્રણમાં છે. પંજશીર કબજે કર્યા બાદ કાબુલમાં તાલિબાન લડવૈયાઓએ પણ ખુશી વ્યક્ત કરતા આકાશમાં ગોળીબાર કર્યો હતો.

સાથે જ એક તાલિબાન કમાન્ડરે કહ્યું કે અલ્લાહની કૃપાથી હવે અફઘાનિસ્તાનમાં અમારું સંપૂર્ણ નિયંત્રણ છે. અમે મુશ્કેલી સર્જનાર લોકોને હરાવી દીધા છે અને હવે પંજશીર અમારા નિયંત્રણ હેઠળ છે. જો કે, પંજશીર પર તાલિબાનના દાવાની હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી.

આ વચ્ચે અફઘાનિસ્તાનના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહે (Former Vice President Amrullah Saleh) તેમના દેશ છોડવાના સમાચારને ફગાવી દીધા અને કહ્યું કે આ સમાચાર ખોટા છે. આ સિવાય તેમણે તાલિબાનના પંજશીર ખીણ પર કબજાની પણ પુષ્ટિ કરી નથી. અમરૂલ્લાહ સાલેહે ટ્વીટ કરીને કહ્યું હતું કે, પ્રતિકાર ચાલુ છે અને ચાલુ રહેશે. હું અહીં મારી માટી સાથે છું, મારી માટી માટે અને તેની ગરિમાની રક્ષા માટે ઉભો છું.

આ પહેલા શુક્રવારે તાલિબાન દ્વારા નવી અફઘાન સરકારની રચનાની તારીખ એક દિવસ માટે મુલતવી રાખવામાં આવી છે. ઉગ્રવાદી જૂથના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદના જણાવ્યા મુજબ નવી અફઘાન સરકારની રચનાને લઈને શુક્રવારે જાહેરાત થવાની હતી. તે હવે એક દિવસ મોડી થશે. મુજાહિદે કહ્યું કે નવી સરકારની રચનાની જાહેરાત હવે શનિવારે કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે કતારમાં તાલિબાનની રાજકીય કાર્યાલયના અધ્યક્ષ મુલ્લા અબ્દુલ ગની બરાદાર તાલિબાન સરકારના વડા હોવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *