દિલ્હી વિધાનસભાની બિલ્ડિંગમાંથી એક સુરંગ મળી આવી છે. આ સુરંગ કે ટનલ દિલ્હી વિધાનસભાથી લાલ કિલ્લા સુધી લાંબી છે. આ ટનલનો ઉપયોગ અંગ્રેજો દ્વારા અવર જવર માટે કરવામાં આવતો હતો તેવું અનુમાન છે. આ જાણકારી વિધાનસભા અધ્યક્ષ રામ નિવાસ ગોયલે આપી હતી.
દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ રામ નિવાસ ગોયલે કહ્યું કે જ્યારે હું 1993માં ધારાસભ્ય બન્યો ત્યારે એવી ચર્ચા ચાલતી હતી કે એક ટનલ છે જે વિધાનસભાથી લાલ કિલ્લા સુધી બનાવવામાં આવી છે. મે તેના પુરાવા શોધવાનો પ્રયાસ તે સમયે કર્યો હતો પણ કઇ નહોતુ મળ્યું.
તેમણે વધુમાં કહ્યું કે હવે આપણને આ ટનલનું એક મુખ મળી ગયું છે. જોકે આ ટનલનું ખોદકામ હવે આગળ નહીં વધારવામાં આવે કેમ કે મેટ્રો પ્રોજેક્ટ્સ અને સીવર સૃથાપનાના કારણે ટનલના બધા રસ્તા બંધ થઇ ગયા છે.
હાલ જે વિધાનસભાની ઇમારત છે તેનો ઉપયોગ 1912માં રાજધાની કોલકાતાને દિલ્હી લાવવામાં આવ્યા બાદ કેંદ્રીય વિધાનસભાના રૂપે કરવામાં આવતો હતો. બાદમાં 1926માં તેને કોર્ટમાં ફેરવી નખાઇ, અંગ્રેજોએ સ્વતંત્રતા સેનાનીઓને કોર્ટમાં લાવવા માટે આ ટનલનો ઉપયોગ કર્યો હતો કે જેથી લોકોના ગુસ્સાથી બચી શકાય. અહીં એક ઓરડો પણ આવેલો છે કે જ્યાં ફાસી આપવામાં આવતી હતી. આ ઓરડાને ખોલવામાં આવશે.
ઘણા બધા સોશિયલ મીડિયા માં આ વાત વાયુ વેગે પ્રસરી હતી અને સુરંગનો આ ફોટો પણ ખુબ જ મોટા પ્રમાણ માં શેર કરાયો છે.