રાજકોટમાં ખેડૂતોએ 30 ટન જેટલા શાકભાજીનો કર્યો ત્યાગ, ભાવમાં ધરખમ ઘટાડાને પગલે ખેડૂતો બન્યા લાચાર

રાજકોટ યાર્ડમાં અગાઉ શાકભાજીની તંગીના કારણે ઉતરતી ગુણવત્તાના શાકભાજીના પણ પૂરતા ભાવ મળતા હતા ત્યારે હવે વિવિધ શાકભાજીનું બમ્પર ઉત્પાદન થતા ભાવમાં તોતિંગ ઘટાડો થયો છે. જેના પગલે આજે  ખેડૂતોએ શાકને ફેંકી દેવાનો વારો આવ્યો હતો. યાર્ડના સૂત્રો અનુસાર  ટ્રેક્ટરના આશરે 25 ફેરાં કરીને કચરા સાથે ફેંકી દેવાયેલ શાકભાજીનો નિકાલ કરવામાં આવ્યો હતો.

શહેરમાં એક તરફ પાનની દુકાને 200 મિલિ પીવાનું પાણી રૂ।.5 લેખે  વેચાય છે, એક લિટર બોટલનો ભાવ રૂ।.20 વસુલાય છે ત્યારે દૂધી, કારેલા, ટીંડોળા, લીલા મરચા, ગુવાર, મુળા, રીંગણા, ગલકાં  સહિતનું મોટાભાગનું શાકભાજી તો રૂ।.1થી 5ના કિલો લેખે વેચાય છે.  ખરીદ્દારો સારૂ શાક છૂટથી મળતું હોય ડાઘાવાળુ કે નબળુ જણાતું શાક ખરીદતા નથી અને તે ટનબંધ જથૃથો વધી પડે છે જેના પગલે ખેડૂતોને સ્વાભાવિક નુક્શાની જઈ રહી છે.

સૂત્રો અનુસાર હાલ ભેજનું પ્રમાણ સતત જળવાવું, હવામાનમાં ઠંડક, ધોધમાર સતત વરસાદને બદલે વરસાદી ઝાપટાં  બાદ નીકળતો ઉઘાડ  વગેરે હવામાન શાકભાજીને માફક આવે છે. અને તેનો વિપુલ પાક થઈ રહ્યો છે.  શાકભાજીના વેપારમાં તેલના વેપારની જેમ નફાખોરો-સંઘરાખોરો આવતા નથી તેથી  તેના ભાવ માંગ અને પૂરવઠા આધારે મહદ્અંશે નક્કી થતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *