પશ્ચિમ બંગાળની મુખ્યપ્રધાન મમતા બેનરજી માટે રાહતના સમાચાર છે. ચૂંટણીપંચે બંગાળ અને ઓડિશામાં 30મી સપ્ટેમ્બરના રોજ પેટાયૂંટણી યોજવાની જાહેરાત કરી છે. તેના પરિણામ ત્રીજી ઓક્ટોબરે આવશે. બંગાળમાં મમતા બેનરજીનો પક્ષ તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) સતત ચૂંટણી યોજવાની માંગ કરી રહ્યો હતો.
ચૂંટણીપંચે ૩૦ સપ્ટેમ્બરે પશ્ચિમ બંગાળમાં ભવાનીપુર વિધાનસભા મતવિસ્તારમાં પેટાચૂંટણી યોજવાનો નિર્ણય લીધો છે. આ જ તારીખે પશ્ચિમ બંગાળમાં સમસેરગંજ, જંગીપુર અને પીપલી (ઓડિશા)માં પણ પેટાચૂંટણી યોજાશે. જ્યારે મતગણતરી ત્રીજી ઓક્ટોબરે થશે. બંગાળ માટે આ ચૂંટણી મહત્ત્વની છે. મમતા બેનરજીએ મુખ્યમંત્રી પદ પર રહેવું હોય તો આ ચૂંટણી જીતવી જરુરી છે. બંગાળમાં વિધાનસભા ચૂંટણીનું પરિણામ મે માં જાહેર થયું હતું. આ ચૂંટણીમાં મમતા બેનરજીને ભાજપના ઉમેદવાર શુભેન્દુ અધિકારીએ હરાવી દીધા હતા. ચૂંટણીપંચના નિયમ મુજબ જો કોઈ મુખ્યપ્રધાન વિધાનસભા કે પરિષદનો સભ્ય નથી તો તેણે છ મહિનાની અંદર બેમાથી એકની સભ્યતા મેળવી જરૂરી છે.
પશ્ચિમ બંગાળની મુખ્યપ્રધાન મમતા બેનરજી માટે વિધાનસભા પેટાચૂંટણીનો રસ્તો ખાલી કરવા સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસના નેતા શોભન દેવ વિધાનસભ્ય પદેથી રાજીનામુ આપી ચૂક્યા છે. તે ભવાનીપુર વિધાનસભા બેઠક પર જીતીને વિધાનસભામાં પહોંચ્યા હતા. આ સંજોગોમાં મમતા ભવાનીપુરથી ચૂંટણી લડે તેવી પૂરેપૂરી સંભાવના છે.