શરદ પવાર: દસ વર્ષ કૃષિ મંત્રાલય સંભાળયુ પણ ખેડુતોને ઉપજ ફેંકવાની ઘટના નથી બની

દેશમાં પાકના યોગ્ય ભાવ ન મળવાને કારણે ખેડૂતો દ્વારા તેમની ઉપજ ફેંકી દેવાની કેટલીક ઘટનાઓ બની છે. પૂર્વ કૃષિ મંત્રી અને એનસીપીના વડા શરદ પવારે આ અંગે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. શરદ પવારે (Sharad Pawar) કહ્યું છે કે જ્યારે તેમની પાસે કૃષિ વિભાગ હતો, ત્યારે તેઓ ખેડૂતોને તેમના ઉત્પાદનના યોગ્ય ભાવ આપતા હતા. પરંતુ હવે કેન્દ્ર સરકાર ખેડૂતો તરફ ધ્યાન આપી રહી નથી.

શરદ પવાર મહારાષ્ટ્રના જુન્નરમાં ખેડૂતોની સભાને સંબોધિત કરી રહ્યા હતા. આ સભામાં મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલ (Dilip Walse Patil, HM Maharashtra) પણ હાજર હતા. શરદ પવારે આ સભામાં પૂર્વ ધારાસભ્ય સ્વ.શિવાજીરાવ મહાદેવ અને દાદાસાહેબ કાલેની પ્રતિમાનું અનાવરણ કર્યું અને ખેડૂતોના મુદ્દે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો.

આ પ્રસંગે શરદ પવારે કહ્યું, “ખેડૂતોની ખર્ચ પણ નીકળી રહ્યો નથી. આવી પરીસ્થિતિમાં ખેડૂતોને તેમની ઉપજ ફેંકી દેવાની ફરજ પડી રહી છે. ડુંગળીના પુરતા ભાવ મળી રહ્યા નથી. અન્ય ઉત્પાદનોના પણ આ જ હાલ છે. મારી પાસે દસ વર્ષ સુધી કૃષિ મંત્રાલય હતું. હું ખેડૂતોને તેમના ઉત્પાદનના યોગ્ય ભાવ આપવા માટે પ્રતિબદ્ધ રહ્યો છું. ખેડૂતો દેશવાસીઓનું પેટ ભરે છે. એટલું જ નહીં, તેઓ વિશ્વની અનાજની જરૂરિયાતો પૂરી કરી શકે છે. ખેડૂતોએ આ કરી બતાવ્યું છે. ”

આ પછી શરદ પવારે તેમના કામની સરખામણી કેન્દ્ર સરકાર સાથે કરી. તેમણે કહ્યું, “કમનસીબે, કેન્દ્ર સરકાર આ બાબતે જેટલું ધ્યાન આપવું જોઈએ તેટલું ધ્યાન આપી રહી નથી. આ જ કારણ છે કે ખેડૂતોની પેદાશોના ભાવ ઘટી રહ્યા છે. ” આ આરોપ લગાવતા શરદ પવારે કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું.

આ દરમ્યાન આ બાબત લોકમુખે ચર્ચાઇ રહી છે કે,  શરદ પવાર ભૂલી ગયા હતા કે ખેડૂતો તેમનાથી ખૂબ ખુશ હતા, તો પછી જ્યારે તેઓ કૃષિ પ્રધાન હતા ત્યારે ખેડૂતોની આત્મહત્યાના બનાવો કેમ વધ્યા? તેઓ રાજ્યમાં મહા વિકાસ અઘાડી સરકારના આર્કિટેક્ટ છે.

ખેડૂતોની લોન માફીનું શું થયું? પૂર અસરગ્રસ્ત ખેડૂતો સુધી રાજ્ય સરકારની મદદ ક્યારે પહોંચશે? આ વર્ષના પૂરને બાજુએ  મુકી દો, ગત વર્ષે રાજ્યમાં ત્રાટકેલા વાવાઝોડાને કારણે ખેડૂતોને નુકસાન થયું હતું,  શું તેની ભરપાઈ કરવામાં આવી હતી?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *