ખેડૂતોએ આજે હરિયાણાના કરનાલમાં મહાપંચાયત (Farmers Mahapanchayat) યોજવાની જાહેરાત કરી છે. 28 ઓગસ્ટના રોજ ખેડૂતો પર કથિત પોલીસ લાઠીચાર્જ સામે કરનાલમાં મહાપંચાયત અને સચિવાલય ઘેરાવના જાહેર કરેલા કાર્યક્રમના એક દિવસ પહેલા જ, વહીવટીતંત્રે જિલ્લામાં મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે. આ સાથે જ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને કલમ 144 લાગુ કરવામાં આવી છે.
હરિયાણા સરકારે મંગળવારે મધ્યરાત્રિ સુધી નજીકના ચાર જિલ્લાઓમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવાનો આદેશ પણ આપ્યો છે. કુરુક્ષેત્ર, કૈથલ, જીંદ અને પાણીપત જિલ્લામાં મંગળવારે મધ્યરાત્રીના 11:59 સુધી મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ રહેશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, કરનાલ જિલ્લામાં કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની 10 કંપનીઓ સહિત સુરક્ષા દળોની કુલ 40 કંપનીઓ તહેનાત કરવામાં આવી છે, જ્યાં સ્થાનિક અધિકારીઓએ પાંચ કે તેથી વધુ લોકોના ભેગા થવા સામે ફોજદારી પ્રક્રિયા સંહિતા (CrPC) ની કલમ 144 હેઠળ પ્રતિબંધિત આદેશો લાદી દીધા છે.
જિલ્લા વહીવટીતંત્રના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, વ્હોટ્સએપ, ફેસબુક, ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ખોટી માહિતી અને અફવાઓ ફેલાવાને રોકવા માટે કરનાલમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા, એસએમએસ સેવા સ્થગિત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે હરિયાણાના તમામ ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સને આદેશનું કડક પાલન કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે.
હરિયાણા પોલીસ દ્વારા આપવામાં આવેલી સલાહ મુજબ, મંગળવારે કરનાલ જિલ્લામાં મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર -44 (અંબાલા-દિલ્હી) પર થોડીક ટ્રાફિક સમસ્યા સર્જાઈ શકે છે. પોલીસે NH-44, દિલ્લી અંબાલા હાઈવેનો ઉપયોગ કરતા લોકોને સલાહ આપી છે કે તેઓ 7 સપ્ટેમ્બરે કરનાલ શહેરમાં મુસાફરી કરવાનું ટાળે. કૃષિ કાયદાનો (Agriculture Bill) વિરોધ કરતા વિવિધ ખેડૂત સંગઠનોનું નેતૃત્વ કરી રહેલ યુનાઇટેડ કિસાન મોરચા (SKM) એ, તેમની માંગણીઓ પૂરી નહીં થાય તો 7 મી સપ્ટેમ્બરે કરનાલમાં મીની સચિવાલયનું ઘેરાવ કરવાની ચિમકી ઉચ્ચારી છે. સાથોસાથ ખેડૂત મહાપંચાયત યોજવાની પણ જાહેરાત કરી છે.