કેન્દ્ર સરકારે શરૂ કરેલી પહેલ ‘દેખો અપના દેશ’ અન્વયે ભારતીય રેલવેએ ‘શ્રી રામાયણ યાત્રા’ નામની ખાસ ટ્રેન સેવા શરૂ કરી દેશમાં ધાર્મિક પ્રવાસનને ઉત્તેજન આપવાનું નિર્ધાર્યું છે.
કોવિડ-19ના બધા જ લેટેસ્ટ અપડેટ્સને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. આ પ્રવાસ ડિલક્સ એસી ટુરિસ્ટ ટ્રેન દિવાળી પછી શરૂ કરવામાં આવશે અને સાતમી નવેમ્બરે સફદરજંગ રેલવે સ્ટેશનથી આ ટ્રેન રવાના કરવામાં આવશે.
આ ટુર હેઠળ ભગવાન રામ સાથે સંકળાયેલા તમામ અગ્રણી સ્થળોને આવરી લેવામાં આવશે. ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી), ઈન્ડિયન રેલ્વેસ કેટરિંગ એન્ડ ટુરિઝમ સબસિડિયરીએ ભેગા મળીને આ યાત્રાનું ભાડું અને સ્પેશિયલ ટ્રેનોના રૂટને નક્કી કર્યો છે.
આ આખી ‘શ્રી રામાયણ યાત્રા’ના પ્રવાસ માટે વ્યક્તિ દીઠ રૂા.82,950 ભાડું નક્કી કરાયું છે, જેમાં એસી (પ્રથમ અને બીજા) વર્ગો, એસી હોટેલમાં રહેવું. ભોજન, આસપાસના જોવાલાયક સ્થળોની મુલાકાત, ટ્રાવેલ ઈન્સ્યુરન્સ અને આઈઆરસીટીસી ટુર મેનેજરની સેવાનો સમાવેશ થાય છે.
આ સ્પેશ્યિલ ટ્રેનના દરેક ડબામાં સિક્યુરિટી ગાર્ડ્સ અને સીસીટીવી કેમેરાની સુવિધા હશે. આ સમગ્ર પ્રવાસ 17 દિવાસનો હશે, જે હેઠળ 7,500 કિ.મી.નું અંતર આવરી લેવાશે. અયોધ્યામાં ટ્રેનનું પ્રથમ સ્ટોપ હશે. પ્રવાસીઓને બંધાય રહેલા શ્રી રામ જન્મભૂમિ મંદિર, નંદીગ્રામનું ભારત મંદિર અને હનુમાન મંદિરના દર્શન અયોધ્યાના રોકાણ દરમિયાન કરાવાશે.
આ પછી બીજું સ્ટોપ બિહારનું સિતામઢી હશે, જે માતા સીતાનું જન્મ સ્થળ છે. જનકપુરમાં રામ-જાનકી મંદિરની મુલાકાત જમીન માર્ગે રોડ થકી કરાવાશે. વારાણસી, ચિત્રકૂટ, પ્રયાગરાજના મંદિરો પણ આ પ્રવાસમાં આવરી લેવામાં આવશે. છેલ્લા સ્ટોપ નાસિક, રામેશ્વરમ્ અને હમ્પી હશે. 17માં દિવસે ટ્રેન દિલ્હી પરત ફરશે અને અંદાજે 7,500 કિ.મી.નો પ્રવાસ તેણે પાર પાડયો હશે.