પંજશીર ઉપર તાલિબાને કબજો લઈ લીધો હોવાનો દાવો થયો હતો. એમાં પાકિસ્તાનની વાયુસેનાએ તાલિબાનને મદદ કરવા ડ્રોન હુમલા કર્યા હતો. અફઘાનિસ્તાનના પૂર્વ સાંસદ જિયા અરિજિયનજાદોએ દાવો કર્યો હતો કે પંજશીરમાં પાકિસ્તાનની વાયુસેના તાલિબાનના પક્ષે લડી હતી. તાલિબાને દાવો કર્યો હતો કે પંજશીર તેના કબજામાં આવી ચૂક્યું છે. એ સાથે જ આખા અફઘાનિસ્તાન ઉપર તાલિબાનનો કબજો થઈ ચૂક્યો છે.
તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુઝાહીદે દાવો કર્યો હતો કે તાલિબાની લડવૈયાઓએ પંજશીર કબજે કરી લીધું છે. જોકે, પંજશીરમાં લડતી ફોર્સના નેતા અહમદ મસૂદે આ દાવાને નકારીને કહ્યું હતું કે અમારા શરીરમાં લોહીનું છેલ્લું ટીપું રહેશે ત્યાં સુધી અમે તાલિબાન સામે પીછેહઠ નહીં કરીએ. અમારા લડવૈયાઓ તાલિબાન સામે લડવા માટે સક્ષમ છે.
બંને પક્ષના દાવા વચ્ચે અફઘાનિસ્તાનના પૂર્વ સાંસદ જિયા અરિયનજાદોએ પંજશીર તાલિબાનના કબજામાં આવી ગયાનું કહ્યું હતું, સાથે સાથે એ માટે તાલિબાને પાકિસ્તાનની વાયુસેનાની મદદ લીધી હોવાનું પણ કહ્યું હતું. પૂર્વ સાંસદે દાવો કર્યો હતો કે પાકિસ્તાનની વાયુસેનાએ પંજશીરમાં તાલિબાનની મદદ માટે ડ્રોનથી હુમલા કર્યા હતા, તેના કારણે તાલિબાનો આ પ્રાંત કબજે કરી શક્યા છે.
નેશનલ રજિસ્ટેન્સ ફ્રન્ટના લડવૈયાઓ અફઘાનિસ્તાનના પૂર્વ ઉપપ્રમુખ અમરૂલ્લાહ સાલેહની આગેવાનીમાં લડતા હતા, પરંતુ સાલેહ હવે તાજિકિસ્તાન ભાગી ગયા હોવાનું કહેવાય છે. અમરૂલ્લાહે યુએનને પત્ર લખ્યો હતો અને તાલિબાને આખા પ્રાંતનો જરૂરી સામગ્રીનો પૂરવઠો રોકી દીધો હોવાનો દાવો કર્યો હતો, પરંતુ એ પછી તે ગુમ થઈ ગયાના અહેવાલો રજૂ થયા હતા.
નેશનલ રેજિસ્ટેન્સ ફ્રન્ટ ઓફ અફઘાનિસ્તા પંજશીરમાં નબળું પડયું હોવાનું તો સામે આવી ચૂક્યું છે. આ લડવૈયાના સંગઠને એક નિવેદન બહાર પાડીને પંજશીરમાં શસ્ત્રવિરામની માગણી કરી હતી અને વાતચીતથી મામલાને ઉકેલવા પર ભાર મૂક્યો હતો. સામાન્ય નાગરિકોના હિતમાં આ નિર્ણય લેવાયો હોવાનું પણ કહેવાયું હતું.
પંજશીરમાં પાકિસ્તાનની વાયુસેના દખલગીરી કરી તે મુદ્દે હવે ઈરાન પણ મેદાનમાં આવ્યું છે. ઈરાને અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની હાજરીનો વિરોધ નોંધાવ્યો છે. ઈરાને એક સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે કોઈ બહારની શક્તિએ અફઘાનિસ્તાનમાં દખલગીરી કરવી ન જોઈએ. જો એમાં ઈરાનના હિતોને નુકસાન થશે તો ઈરાન પણ સક્રિય થશે એવી ગર્ભીત ધમકી ઈરાને આપી હતી.