દલિતોની રાજનીતિના સહારે રાજકારણમાં પોતાનુ કદ મોટુ કરનાર બહુજન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ માયાવતીનો આજે જોવા મળેલો નવો અવતાર આશ્ચર્યજનક છે. લખનૌમાં માયાવતીએ એક સભાને સંબોધન કરીને ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી દીધો છે. આ સભા બ્રાહ્મણોને રીઝવવા માટે બોલાવવામાં આવી હતી.
તેનાથી વધારે આશ્ચર્યની વાત એ છે કે, માયાવતી એક હિન્દુવાદી નેતા હોય તેવુ લાગી રહ્યુ હતુ. કારણકે આ સભામાં શંખનાદ કરવામાં આવ્યો હતો, મંત્રોચ્ચાર પણ થયા હતા અને ત્રિશુળ પણ લહેરાવવામાં આવ્યા હતા. આવુ એક ત્રિશુળ માયાવતીના હાથમાં પણ હતુ. બીજી તરફ સભામાં ગણપતિ બાપાની મૂર્તિઓ પણ નજરે પડી હતી.
માયાવતીના સંબોધન પહેલા જય શ્રી રામ, જય શ્રી પરશુરામના નારા પણ લાગ્યા હતા અને પાર્ટીનુ જૂનુ સુત્ર… હાથી નહીં ગણેશ હૈ..બ્રહ્મા વિષ્ણુ મહેશ હૈ..પણ ગૂંજ્યુ હતુ. પાર્ટીના બ્રાહ્મણ ચહેરા તરીકે જાણીતા અને માયાવતીના વિશ્વાસુ સતીષચંદ્ર મિશ્ર દ્વારા માયાવતીને ગણપતિ બાપાની એક મૂર્તિ પણ ભેટ આપવામાં આવી હતી. માયાવતીએ ભાષણમાં પણ બ્રાહ્મણોને રીઝવવા માટે જાત જાતના વાયદા કર્યા હતા અને બ્રાહ્મણો સાથે ભેદભાવ કરવા બદલ તેમણે યોગી સરકારની આકરી ઝાટકણી પણ કાઢી હતી.