શ્રીલંકા કરી શકે છે નાદારી જાહેર, ફોરેકસ રિઝર્વ ઝીરોની નજીક

ભારતનું વધુ એક પડોશી દેશ દેવાળિયું  ફૂંકવાની તૈયારીમાં છે. ભારતની દક્ષિણે આવેલા શ્રીલંકામાં હાલમાં વિદેશી હૂંડિયામણની કટોકટી સર્જાઈ છે. આ અંગેની માહિતી તેના નાણાં પ્રધાન બાસિલ રાજપક્ષેએ મંગળવારે તેમના દેશની સંસદને આપી હતી. શ્રીલંકાનો ઘણો બધો આધાર પર્યટન તથા ચાની નિકાસ પર રહેલો છે. કોરોનાવાઈરસના ફેલાવાને કારણે તેના અર્થતંત્રને ગંભીર ફટકો પડયો છે. વિદેશી હૂંડિયામણની કટોકટી ઉપરાંત, શ્રીલંકાની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે જ્યારે ખર્ચ સતત વધી રહ્યો છે. શ્રીલંકા સરકારે વેક્સિનનો ૮૦ ટકા ખર્ચ ઉઠાવ્યો છે.

કેન્દ્રીય બેન્કના આંકડા પ્રમાણે, આપણા દેશ પાસે હાલમાં ફોરેકસ રિઝર્વનું સ્તર શૂન્યની નજીક પહોંચી ગયું છે એમ નાણાં પ્રધાને જણાવ્યું હતું. રાજપક્ષેએ જણાવ્યું હતું કે કોરોનાની મહામારીને પરિણામે, વર્તમાન વર્ષમાં સરકારની તિજોરીમાં અંદાજ કરતા રૂપિયા ૧૫૦૦થી રૂપિયા ૧૬૦૦ અબજની ઘટ પડી છે. શ્રીલંકાની અર્થવ્યવસ્થા મુખ્યત્વે પર્યટન તથા ચાની નિકાસ પર નિર્ભર કરે છે, પરંતુ કોરોનાને કારણે લાગુ થયેલા પ્રતિબંધોને પગલે આ વ્યવસાય ઠપ્પ થઈ ગયા છે, એમ નાણાં પ્રધાને જણાવ્યું હતું.

શ્રીલંકામાં કૃષિ ઉત્પાદન પર પણ અસર પડી છે જેને કારણે તેણે મોટેપાયે આયાત કરવાની ફરજ પડી રહી છે.

દેશોની નાદારીનો ઇતિહાસ જોઈએ તો તાજેતરના દાયકાઓમાં આર્જેન્ટિના, રશિયા અને લેબનોને નાદારી નોંધાવી હતી. ગયા વર્ષે આર્જેન્ટિના ઇક્વાડોર અને લેબનોને તેમના પરના ઋણ બોજની સામે નાણાકીય ચૂકવણીમાં નાદારી નોંધાવી હતી. આ સિવાય ચાલુ વર્ષે નાદારી નોંધાવે તેવા ટોચના દસ દેશોની સંભાવનામાં જાપાન, ગ્રીસ, લેબનોન, ઇટલી, પોર્ટુગલ, જમૈકા, કાબો વેર્ડ, મોઝામ્બિક, ઇરિટ્રિયા અને યેમેનનો સમાવેશ થાય છે. તેનું કારણ તેમના પરનો ઋણબોજ જીડીપીના પ્રમાણમાં ઘણો ઊંચો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *