આગામી વર્ષે યોજાનારી ચૂંટણી માટે ભાજપે પ્રભારીઓ ના નામ જાહેર કર્યા

આગામી વર્ષે ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે. જેની તૈયારી રાજકીય પક્ષો દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. ભાજપે આ રાજ્યોના પ્રભારીના નામ જાહેર કરી દીધા છે. જેમાં ઉત્તર પ્રદેશના પ્રભારીની જવાબદારી કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને આપવામાં આવી છે. સૌથી વધુ ૪૦૩ બેઠકો ધરાવતું આ રાજ્ય સૌથી મહત્વનું માનવામાં આવે છે.

જ્યારે કેન્દ્રીય મંત્રી ગજેંદ્રસિંહ શેખાવતને પંજાબના પ્રભારી બનાવવામાં આવ્યા છે. ઉ. પ્રદેશ, પંજાબ ઉપરાંત ગોવા, મણિપુર અને ઉત્તરાખંડમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે. ભાજપની પ્રભારીઓની યાદીમાં ધર્મેન્દ્ર પ્રધાન, ગજેન્દ્ર શેખાવત ઉપરાંત અનુરાગસિંહ ઠાકુર, અર્જુન મેઘવાલ, સરોજ પાંડે, શોભા કરંદલાજે, કેપ્ટન અભિમન્યુ, અન્નપુર્ણા દેવી અને વિવેક ઠાકુરનો પણ સમાવેશ થાય છે.

૨૦૧૭માં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે માત્ર સાત પર જીત મેળવી હતી, જ્યારે તેની સહયોગી પાર્ટી સપાને ૪૭ બેઠકો મળી હતી. બીજી તરફ ભાજપે ઉત્ત પ્રદેશની ૪૦૩માંથી સૌથી વધુ ૩૧૨ બેઠકો પર જીત મેળવી હતી. બસપાએ પણ ૧૯ બેઠકો પર જીત મેળવી હતી. ઉત્તર પ્રદેશ ઉપરાંત પંજાબ પર પણ ભાજપની નજર છે, પંજાબમાં ગજેન્દ્રસિંહને પ્રભારી બનાવાયા છે જ્યારે તેમના સહયોગી તરીકે હરદીપસિંહ પુરી, મીનાક્ષી લેખી, વિનોદ ચાવડાને નિમ્યા છે.

ઉત્તરાખંડના પ્રભારી તરીકે કેન્દ્રીય મંત્રી પ્રહ્લાદ જોશીને નિમ્યા છે. જ્યારે લોકેટ ચેટર્જી, સરદાર આરપીસિંહ તેમને મદદ કરશે. ગોવા વિધાનસભા ચૂંટણી માટે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેંદ્ર ફડણવીસને જવાબદારી સોપાઇ છે. તેવી જ રીતે મણિપુરમાં કેન્દ્રીય મંત્રી ભૂપેંદ્ર યાદવને જવાબદારી સોપાઇ છે. હાલ જે પાંચ રાજ્યોમાં ચૂંટણી આગામી વર્ષે યોજાવા જઇ રહી છે તેમાં ચારમાં ભાજપની સરકાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *