ફોર્ડ ઇન્ડિયાએ તેના સાણંદ એકમમાં મોટરકારનું ઉત્પાદન આજથી જ બંધ કરી દેવાની જાહેરાત કરી છે. ગુજરાતમાં અને ભારતમાં તેની કારના મોડેલ્સનું વેચાણ અપેક્ષા પ્રમાણે ન થતું હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
નિકાસ માટેના વાહનોનું ઉત્પાદન 2021ના ચોથા ત્રિમાસિક ગાળા સુધીમાં સાવ જ બંધ કરી દેવામાં આવશે. પરિણામે ફોર્ડ ઇન્ડિયાના સાણંદ એકમના 2200થી 2500 જેટલા કર્મચારીઓ બેરોજગાર થઈ જશે. આ અગાઉ હાલોલમાંથી જનરલ મોટર્સે તેનું એકમ સંકેલી લીધું હતું.
હાર્લિ ડેવિડસને તેની ડીલરશીપ પણ પાછી ખેંચી લીધી હતી. આ અગાઉ કોમર્શિયલ વેહિકલના સેક્ટરમાં આવેલી માન કોમર્શિયલ વેહિકલને પણ વાવટો સંકેલી લેવાની ફરજ પડી હતી. આ સાથે જ મેક ઇન ઇન્ડિયાને પ્રમોટ કરવાના અને ગુજરાતને ઓટો મોબાઈલનું હબ બનાવવાના ગુજરાત સરકારના પ્રયાસને વધુ એક ફટકો પડયો છે.
ગુજરાતમાં તેમનું ઉત્પાદન ઘણું જ ઓછું હોવાથી આખા પ્લાન્ટને નભાવી શકાય તેટલું ઉત્પાદન થતું જ ન હોવાથી આ પગલુ ંલેવામાં આવ્યું છે. ગુજરાતમાં મહિને અંદાજે 1500થી 1600 ગાડીનું ઉત્પાદન કરવામાં આવતું હતું. તેમનો પ્લાન્ટ માંડ વીસ ટકા ક્ષમતાએ ચાલતો હતો. ગુજરાતમાં તેમના મોડેલની ડિમાન્ડ અને સમગ્રતયા ઓટોમોબાઈલની ડિમાન્ડ પણ અપેક્ષા પ્રમાણે વધતી ન હોવાથી આ નિર્ણય લેવાની ફરજ પડી છે.
તેની સીધી અસર તેમના નફા પર પડી રહી છે. તેમની ખોટ દિનબદિન વધી રહી છે. છેલ્લા દસ વર્ષમાં ગુજરાત અને ભારતમાં મળીને ફોર્ડ ઇન્ડિયાએ 200 કરોડ ડૉલરની ખોટ કરી છે. ફોર્ડ ઇન્ડિયાનો સાણંદ ખાતેનો પ્લાન્ટ વૈશ્વિક સ્ટાન્ડર્ડને પહોંચી વળે તેવો બનાવવામાં આવ્યો હતો. તેથી મોટી મૂડીનું રોકાણ કરવામાં આવ્યું હતું. પરંતુ ડીમાન્ડ ન વધતા મોટરદીઠ પડતર ઘણી જ ઊંચી આવતી હતી. તેથી બજારમાં સ્પર્ધા કરવી પણ તેમને માટે મુશ્કેલ બની ગઈ હતી. ગુજરાત અને ભારતના બજારમાં સારી રીતે પગદંડો જમાવી શકાય તે માટે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સાથે તેણે ટાઈ-અપ કર્યું હતું.
પરંતુ આ જોડાણ પણ 12થી 14 મહિના માટે જ ટકી શક્યું હતું. તેના પ્રમાણમાં તેને માર્કેટ મળતું નહોતું. ગુજરાત અને ભારતમાંના તેમના 11000 કર્મચારીઓને તેઓ ફોર્ડના વૈશ્વિક વેચાણ માટે ઉપયોગ કરશે. ગુજરાતના અમદાવાદ નજીક સાણંદમાં આવેલા પ્લાન્ટ ઉપરાંત ચેન્નઈના મારિમાલાઈ ખાતેનો કાર ઉત્પાદનનો પ્લાન્ટ બંધ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતમાં અમદાવાદ નજીક સાણંદ ખાતેનો અને ચેન્નઈના મારિમાલાઈ ખાતેનો પ્લાન્ટ બંધ કરી દેવાના નિર્ણયથી ફેડરેશન ઑફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિયેશનને આઘાત અનુભવ્યો છે. ગુજરાતમાં 22 જેટલા ડીલર્સ તેમનો ધંધો ગુમાવશે.
તેમણે આ માટે કરેલા ઇન્વેસ્ટમેન્ટ પર પણ અવળી અસર પડશે. ભારતમાં તેના 170 ડીલર અને 391 આઉટલેટ્સ (સેલ્સ એકમો) છે. તેમને ફોર્ડની ડીલરશીપ મેળવી ધંધો કરવા માટે કરેલા રૂા. 2000 કરોડનું નુકસાન થઈ શકે છે. ગુજરાતના ડીલર્સના માધ્યમથી રોજગારી મેળવનારા બીજા 2200થી વધુ લોકો પણ બેરોજગાર થવાની સંભાવના છે.
ફોર્ડ મોટર્સના સાણંદ યુનિટને બંધ કરી દેવાના નિર્ણયને પરિણામે રોજગારી ગુમાવનારા અંદાજે 2200થી 2500 કામદારો અને કર્મચારીઓને વળતર આપવા માટેના મુદ્દે કર્મચારી યુનિયનના હોદ્દેદારો સાથે ચર્ચા વિચારણાં કરીને સમાધાન કરવામાં આવશે. તમામને સંતોષ થાય તેવું સમાધાન કરવાનું આયોજન કરવામાં આવશે. સાણંદ અન ચેન્નઈના પ્લાન્ટમાંથી ઇકોસ્પોર્ટ્સ નામના મોડેલને બનાવીને લોન્ચ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ હવે આ આયોજન પડતું મૂકવામાં આવ્યું છે.
ફોર્ડ મોટર્સના મેનેજમેન્ટ સાણંદનો પ્લાન્ટ બંધ કરી દેવાનો નિર્ણય લેતા તેમને મોટના જુદાં જુદા પૂરજાઓ સપ્લાય કરનારાઓના ધંધા પર પણ અસર પડી છે. જોકે ફોર્ડ મોટર્સના મેનેજમેન્ટનુ કહેવું છે કે તેઓ સાણંદ ખાતે તેમને મોટરના જુદાં જુદાં પૂરજાઓ સપ્લાય કરનારાઓ પાસેથી તેમના અમેરિકા સ્થિત એકમો માટે પણ પૂરજાઓ ખરીદવાનું ચાલુ રાખશે. 2022ની સાલના બીજા ત્રિમાસિક ગાળા સુધી તેઓ ભારતના પ્લાન્ટમાં એન્જિનના મેન્યુફેક્ચરિંગની કામગીરી ચાલુ રાખી એન્જિનની નિકાસ પણ કરવાના છે. ત્યારબાદ આ વિભાગો પણ બંધ કરી દેવામાં આવશે.