ગુજરાતના રાજકરણમાં એકાએક નવા જુનીના એંધાણ છે. મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ એકાએક રાજીનામું આપ્યું છે.
શનિવારે એકાએક વિજય રૂપાણી ગુજરાત સરકારના ટોચના અન્ય મંત્રી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, સંસદીય મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે રાષ્ટ્રીય ભાજપ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી એલ સંતોષ રાજભવન પહોંચ્યા હતા અને આચાર્ય દેવવ્રતને રાજીનામું આપ્યું છે.
રૂપાણીએ રાજભવન ખાતે મીડિયાને સંબોધન કરતા કહ્યું કે હું ભાજપ ટોચના મોવળી મંડળનો આ જવાબદારી બદલ આભાર વ્યક્ત કરૂં છું. મેં મુખ્યમંત્રી તરીકે તમામ દાયિત્વ નિભાવ્યા છે. મારા કાર્યકાળમાં ગુજરાતને વિકાસના નવા પંથે આગળ વધાર્યું હતુ.
પૂર્વ મુખ્યમંત્રીએ રૂપાણીએ કહ્યું કે આ રાજીનામું મારી રાજીખુશીથી આપ્યું છે. મારી પાસે આ રાજીનામું માંગવામાં નથી આવ્યું. મારા અને સંગઠન વચ્ચે કોઈ ટકરાવ નથી. હું ભાજપનો જ માણસ છું અને કાર્યકર્તા તરીકે આગળ કામ વધારીશ.
નવા નેતૃત્વમાં ગુજરાતનો વિકાસ થશે અને નવા આયામ સર થશે તેવી આશા સાથે હું આજે મુખ્યમંત્રી પદેથી વિદાય લઉં છું.
રૂપાણીએ પ્રેસ વાર્તા દરમિયાન ટકોર કરતા કહ્યું કે ગુજરાતમાં સરકાર રૂપાણી કે કોઈ અન્ય નથી ચલાવતું. દરેક ચૂંટણી અને કાર્ય નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ જ લડાઈ છે. સરકાર રૂપાણી કે કોઈ અન્યની નથી મોદીના નેતૃત્વ હેઠળ જ બધું ચાલી રહ્યું છે. દેશ તો મોદીનો જ છે, તેમ રૂપાણીએ ઉમેર્યું હતુ.
જોકે એકાએક રાજીનામાનું કારણ આપવાનું રૂપાણી સહિતના ટોચના નેતાઓ ટાળ્યું હતુ. કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે હું સીએમ પદનો દાવેદાર નથી. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે આ નિર્ણય વિચારવિમર્શથી લેવામાં આવ્યો છે.
કેન્દ્રિય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ કહ્યું કે આગામી રણનીતિ એકાદ દિવસમાં નક્કી થશે. આવતીકાલ સાંજ સુધી સ્થિતિ સ્પષ્ટ થશે. આજે મોડી સાંજે કે કાલે સવારે ધારાસભ્યોની બેઠક બોલાવીને નવા મુખ્યમંત્રી અંગે ચર્ચા કરવામાં આવશે.