જામનગરમાં દિલધડક રેસ્ક્યૂ : એરફોર્સ, SDRF અને ફાયરબ્રિગેડ નું રેસ્ક્યૂ ઓપરેશન શરૂ : જામનગર-રાજકોટ હાઈવે બંધ

જામનગર જિલ્લાના અનેક ગામોમાં જમીન ત્યાં જળની સ્થિતિ સર્જાતા સેંકડો લોકો ફસાયા છે. ગામમાંથી બહાર નીકળવાના રસ્તા પર જ પાણી ફરી વળતાં લોકોને સલામત રીતે બહાર કાઢવા માટે એરફોર્, SDRF અને ફાયરબ્રિગેડની ટીમો કામે લાગી છે. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બાંગા, જોગવડ, વોડીસંગ, ધુડશિયા, કોંજા,અલીયાબાડા, ધુંવાવ વગેરે ગ્રામ્ય વિસ્તારોમાં હાલ રેસ્ક્યૂની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.

કાલાવડ તાલુકામાં ધોધમાર વરસાદના કારણે નદીઓ ગાંડીતૂર બનતા અલિયાબાડા ગામમાં પૂરના પાણી ઘૂસ્યા હતા. અલિયાબાડા ગામમાં ઘરના એક એક માળ પાણીમાં ગરકાવ થતા લોકો જીવ બચાવવા ઘરની છત પર ચડી ગયા છે. નદી કાંઠા નજીકમાં કેટલાક લોકો ફસાયા હોય અને પાણીનું સ્તર વધી રહ્યું હોય સ્થાનિક લોકો અને ફાયરબ્રિગેડની ટીમ દ્વારા 25 લોકોનું દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન કરાયું હતું. જવાનોએ પોતાનો જીવ જોખમમાં મૂકી લોકોના જીવ બચાવ્યા હતા.

ધુંવાવ ગામમાં રેસ્ક્યૂની તસવીર.

ધુંવાવા ગામમાં પણ ભયંકસ સ્થિતિ સર્જાઈ છે. નદીના પાણી ગામની અંદર ઘૂસી જતા ગામની પચાસ ટકા વસ્તી પૂરના પાણીમાં ફસાઈ છે. ગામલોકો દ્વારા પાણીની વચ્ચે ફસાયેલા લોકો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરવાની માગ કરી છે. ગામલોકોનું માનીએ તો, તેઓએ ઈતિહાસમાં ક્યારેય આવું પૂર જોયું નથી.

ખોડિયાર મંદિરમાં ફસાયેલા 6 લોકોની તસવીર

નાગેશ્વર નદીના કાંઠા પર જ ખોડિયાર મંદિર આવેલું છે. રાત્રિના સમયે નાગમતી-રંગમતી નદીમાં ઘોડાપૂર આવતા મંદિર આસપાસ પૂરના પાણી ફરી વળ્યા છે. મંદિર પણ અડધું પાણીમાં ડૂબી ચૂક્યું છે. અહીં પાંચથી છ જેટલા લોકો છત પર ફસાયેલા છે. જેઓ દ્વારા વીડિયો વાઈરલ કરી મદદની માગ કરી છે.

ધુંવાવના નાકા પાસે રેસ્ક્યૂની તસવીર

જામનગર શહેરના ભોઈવાડા વિસ્તારમાં ધુંવાવના નાકા પાસ નાગમતી-રંગમતી નદીના પાણી ફરી વળતા રહેણાંક વિસ્તારમાં 10 ફૂટ કરતા વધુ પાણી ભરાયા છે. હાલ અહીંથી પણ બોટ દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી દેવામા આવી છે.

બાંગા ગામમાં ફસાયેલા લોકોને એરલિફ્ટ કરાયા

જામનગર જિલ્લામાં બચાવ કામગીરી માટે એરફોર્સના ચાર હેલિકોપ્ટરની મદદ લેવામા આવી રહી છે. ગુજરાતના નવા વરાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ જામનગર જિલ્લામાં વરસાદને કારણે અસર પામેલા ૩ ગામોના અને પાણીમાં ફસાયેલા ૩૫ જેટલા લોકોને તાત્કાલિક મદદ સહાય પહોંચાડી સલામત સ્થળે ખસેડવા અને એર લિફ્ટ કરવાની વ્યવસ્થા કરવા જામનગર જિલ્લા કલેકટર સાથે વાત કરીને સૂચનાઓ આપી છે. હાલ બાંગામાંથી ૬ થી વધુ લોકોને એરલિફ્ટ કરાયા છે તેમજ હજુ પણ જામનગરના ત્રણ ગ્રામ્ય વિસ્તારોમાં પણ એરલિફટની કામગીરી ચાલુ છે.

ધોધમાર વરસાદના પગલે જામનગર-રાજકોટ હાઈવે સંપૂર્ણપણે બંધ થઈ ચૂક્યો છે. તેમજ જામનગરના પંચકોશી પોલીસ સ્ટેશન પણ પાણીમાં ગરકાવ થઇ ચૂક્યું છે. તેમજ આજુબાજુનો વિસ્તાર બેટમાં ફેરવાયો છે. ત્યારે પોલીસ સ્ટેશનની બાજુના વિસ્તારમાં આશ્રમમાંથી લોકોને બચાવવાની કામગીરી ચાલુ છે. આ ઉપરાંત દુઆ ગામમાં ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યૂ કરીને લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *