વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી રાજ્ય ઉત્તર પ્રદેશને લઇને દાવો કર્યો હતો કે 2017ની ચૂંટણી પહેલા ગેંગસ્ટર્સ દ્વારા ઉત્તર પ્રદેશને ચલાવવામાં આવતું હતું. હવે આ ગેંગસ્ટર્સ જેલોમાં કેદ છે અને યોગી આદિત્યનાથની સરકારે સમગ્ર સિૃથતિમાં સુધારા કર્યા છે.
મોદીએ કહ્યું હતું કે અગાઉ ગરીબો અને વંચિતો સુધી યોજનાનો લાભ પહોંચતો અટકાવવા માટે અનેક અડચણો ઉભી કરવામાં આવી હતી. જોકે હવે પરિસિૃથતિ બદલાઇ ગઇ છે અને લાભાર્થીઓ સુધી આવી યોજનાઓનો લાભ પહોંચી રહ્યો છે.
અલીગઢમાં રાજા મહેન્દ્ર પ્રતાપસિંહ સ્ટેટ યુનિવર્સિટીના શિલાન્યાસ સમયે યોજાયેલા એક કાર્યક્રમમાં મોદીએ આ નિવેદન આપ્યું હતું. રાજા મહેન્દ્ર પ્રતાપસિંહના માનમાં ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકાર દ્વારા આ યુનિવર્સિટીનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. મહેન્દ્ર પ્રતાપસિંહ એક સમાજ સુધારક અને અંગ્રેજો સામે લડનારા રાજા હતા. યુનિ. દ્વારા 395 જેટલી નવી કોલેજો ખોલવામાં આવશે.