એશિયન ચેમ્પિયનશિપ ટીમથી ટેબલ ટેનિસ પ્લેયર મનિકા બત્રાને કરાઈ બરતરફ

ભારતની ટોચની ટેબલ ટેનિસ (Table tennis) ખેલાડી મનિકા બત્રા ટોક્યો ઓલિમ્પિક 2020 (Tokyo Olympics 2020) ના સમયથી સમાચારોમાં છે. ઓલિમ્પિકમાં મનિકા બત્રા (Manika Batra) નું પ્રદર્શન બહુ સારું નહોતું અને મહિલા સિંગલ્સના ત્રીજા રાઉન્ડમાં હાર્યા બાદ તે બહાર થઈ ગઈ હતી. ત્યારથી મનિકા કોચ મુદ્દે વિવાદોમાં હતી.

ઓલિમ્પિક સમાપ્ત થયા બાદ, ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા (TTFI) એ પણ તેમને કારણ બતાવો નોટિસ જારી કરી હતી. ત્યારબાદ મનિકાએ રાષ્ટ્રીય કોચ પર પણ મેચ ફિક્સિંગ માટે દબાણ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ તમામ વિવાદો બાદ મનિકાને એશિયન ચેમ્પિયનશિપ માટે પસંદ કરાયેલી ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. ફેડરેશને રાષ્ટ્રીય શિબિરમાં મનિકાની ગેરહાજરીને તેનુ કારણ ગણાવ્યું હતું.

એશિયન ચેમ્પિયનશિપ 28 સપ્ટેમ્બરથી દોહામાં શરૂ થવા જઈ રહી છે. જેમાં ભારતની મહિલા અને પુરુષ ટીમોમાંથી કુલ 9 ખેલાડીઓ ભાગ લેવા જઈ રહ્યા છે. જેમાં મનિકા સિવાય ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનાર અન્ય તમામ ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. મનિકાની ગેરહાજરીમાં મહિલા ટીમનું નેતૃત્વ સુતીર્થ મુખર્જી કરશે, જ્યારે પુરુષોની ટીમમાં સૌથી અનુભવી ખેલાડી અચંતા શરથ કમલ ભારતીય પડકારનું નેતૃત્વ કરશે. ચીનની મજબૂત ટીમ એશિયન ચેમ્પિયનશિપમાં ભાગ લઈ રહી નથી, પુરુષોની ટીમ ઈવેન્ટમાં મેડલની આશા આપે છે.

TTFI એ એશિયન ચેમ્પિયનશિપ માટે નામોની જાહેરાત કરી હતી, જેમાં ઘણા નવા નામોને પણ સ્થાન મળ્યું છે. ટોક્યોમાં ભારતીય ખેલાડીઓનાં પ્રદર્શન બાદ ફેડરેશને સ્પષ્ટ કરી દીધું હતું કે, મોટી ટૂર્નામેન્ટ્સ પહેલા ખેલાડીઓએ રાષ્ટ્રીય શિબિરનો ભાગ બનવું પડશે. એશિયન ચેમ્પિયનશિપ પહેલા સોનીપતમાં પણ આવા જ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ફેડરેશને એમ પણ કહ્યું હતું કે શિબિરમાં ભાગ લેનાર ખેલાડીઓમાંથી પસંદગી પર વિચાર કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ અનુસાર, મનિકાએ TTFI ને કહ્યું હતું કે તે પુણેમાં તેના અંગત કોચ સાથે તાલીમ ચાલુ રાખવા ઈચ્છે છે.

ટોક્યો ઓલિમ્પિકમાં મેચ દરમિયાન મનિકાએ પોતાના અંગત કોચને, પોતાની સાથે રાખવાની અપીલ પણ કરી હતી. પરંતુ એવું થઈ શક્યું નહીં. મનિકાના કોચને સ્પોર્ટ્સ વિલેજમાં આવવાની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ મેચ દરમિયાન મનિકા સાથે રહેવાને બદલે તેણે પ્રેક્ષકોની વચ્ચે બેસીને જોવું પડ્યું હતુ. આ દરમ્યાન મનિકાએ રાષ્ટ્રીય કોચ સૌમ્યદીપ રોયને પોતાની સાથે રાખવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે હંગામો થયો હતો. આ મુદ્દે ફેડરેશને મનિકા પાસે જવાબ માંગ્યો હતો. ત્યારબાદ મનિકાએ સૌમ્યદીપ રોય પર મેચ ફિક્સિંગનો આરોપ લગાવ્યો હતો કે તેમણે તેને ઓલિમ્પિક ક્વોલિફાયર દરમિયાન તેની મેચ હારવાનું કહ્યું હતું. TTFI એ આરોપોની તપાસ માટે એક તપાસ પેનલનું ગઠન કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *