સોશીયલ મીડીયા ઈન્ફ્લુએન્સર્સ માટે વરદાન, સેલીબ્રીટીઓ કરતા વધારે થઈ રહયા છે ફેમસ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રભાવશાળી વ્યક્તિઓ દ્વારા ઉત્પાદન વેચવાના વધતા વલણ સાથે, દેશનું આ બજાર વર્ષના અંત સુધીમાં 900 કરોડ રૂપિયાનો બિઝનેસ કરે તેવી ધારણા છે. એક અહેવાલ દ્વારા આ વાત કહેવામાં આવી છે. આઈએનસીએ ઈન્ડિયા ઈન્ફ્લુએન્સર રિપોર્ટ ( INCA India Influencer Report) અનુસાર, સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર માર્કેટમાં બિઝનેસ દર વર્ષે 25 ટકા વધવાની ધારણા છે અને વર્ષ 2025 સુધીમાં આ સેક્ટરમાં બિઝનેસ 2200 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે.

રિપોર્ટમાં એવું જોવામાં આવ્યું હતું કે ઇન્ટરનેટના વધતા વ્યાપ અને પ્રભાવ સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકોની પહોંચમાં વધારો થયો છે. તેને ધ્યાનમાં રાખીને, કંપનીઓએ તેમના ઉત્પાદનો વેચવા માટે સોશિયલ મીડિયા પર પ્રભાવશળી વ્યક્તિઓ સાથે જોડાણ કરવાનું શરૂ કર્યું છે.

વિજ્ઞાપનદાતાઓની એક સ્વ-નિયમનકારી સંસ્થાએ સોશિયલ મીડિયા પર આ પ્રકારના ‘પ્રભાવશાળી’ વ્યક્તિઓ માટે માર્ગદર્શિકા પણ નક્કી કરી છે. એક રીપોર્ટ અનુસાર, કોવિડ -19 મહામારીને કારણે ઉદ્ભવેલી પરીસ્થીતી તથા ગ્રાહકો સાથે સીધા જોડાણના કારણે પ્રભાવીત થયેલો આ ઉદ્યોગ એક પરીવર્તનના યુગમાંથી પસાર થઈ રહ્યો છે.

ગ્રુપમના સાઉથ એશિયાના ચીફ એક્ઝિક્યુટિવ પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે, “મહામારીના શરૂઆત પહેલા ભારતમાં વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 400 મિલિયન લોકો હતા અને છેલ્લા 18 મહિનામાં આ સંખ્યા ઝડપથી વધી છે. ગ્રાહકોના વ્યવહારમાં પણ ફેરફાર થયો છે.

તેમણે કહ્યું, “કંપનીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા જાહેરાત કરે છે તેનું સૌથી મોટું કારણ પ્રભાવશાળી વ્યક્તિઓનો તેમના દર્શકોની સાથે રહેલો ગાઢ સંબંધ અને વિશ્વાસ છે. કંપનીઓ આનો લાભ લેવા માટે સોશિયલ મીડિયા પર પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે જોડાવા માંગે છે.

રસપ્રદ વાત એ છે કે, રિપોર્ટમાં એવું પણ જાણવા મળ્યું છે કે જાણીતા સેલિબ્રિટીઝ આ બજારમાં માત્ર 27 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે પ્રભાવશાળી વ્યક્તિઓની હીસ્સેદારી 73 ટકા જેટલી વધી છે. રિપોર્ટમાં એવું પણ જોવામાં આવ્યું હતું કે દેશની લગભગ બે તૃતીયાંશ વસ્તી એવા વ્યક્તિને અનુસરે છે જેણે કોઈ પણ સોશિયલ મીડિયા પર પોતાની છાપ છોડી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *