મુન્દ્રા અદાણી બંદરેથી DRIએ 10 હજાર કરોડનું ડ્રગ્સ પકડ્યું, ટેલ્કમ પાવડરના નામે હેરોઇન લાવામાં આવ્યું

મુન્દ્રા અદાણી બંદરેથી ડીઆરઆઈની ટીમે 10 હજાર કરોડનું ડ્રગ્સ પકડી પાડયું છે.  ટેલ્કમ પાઉડરના જથૃથા સાથે હેરોઈન ઈમ્પોર્ટ કરનાર વિજયવાડાની કંપનીના સંચાલક દંપતિની ચેન્નઈથી ડીઆરઆઈએ ધરપકડ કરી છે. વિજયવાડાની આશિ ટ્રેડિંગ કંપનીના સંચાલક મચ્છાવરમ સુધાકર અને તેમના પત્ની ગોવિંદારાજુ દુર્ગાપૂર્ણ વૈશાલીને આજે ભુજની કોર્ટમાં રજૂ કરવામાં આવતા 10 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.

ડીઆરઆઈ દ્વારા ઝડપી પાડવામાં આવેલા આ હેરોઈનનો જથૃથો અત્યારસુધીનો સૌથી મોટો જથૃથો છે જેના પડઘા રાષ્ટ્રસ્તરે પણ પડયા છે. મુંદરાથી હેરોઈન ક્યાં લઈ જવાનું હતું? કોણે મગાવ્યું? ફાઈનાન્સિયલ સપોર્ટ કોણે કર્યો? વગેરે મુદ્દે તપાસ મુંદ્રા, ગાંધીધામ, માંડવી, અમદાવાદ, દિલ્હી અને ચેન્નઈ સુધી લંબાવી છે.

મુંદ્રાના અદાણી પોર્ટ ઉપર વિજયવાડાની આશિ ટ્રેડિંગ કંપનીના સેમી પ્રોસેસ્ડ સ્ટોન ટેલ્કમ પાઉડરના કન્ટેનર આવ્યાં હતાં તેમાં હેરોઈન ડ્રગ્સ હોવાની બાતમીથી અઠવાડિયા અગાઉ ડીઆરઆઈ, ગાંધીધામની ટીમે તપાસ શરૂ કરી હતી.

તપાસ દરમિયાન એક કન્ટેનરમાંથી 1999.579 કિલોગ્રામ અને બીજા કન્ટેનરમાંથી 988.64 કિલોમીગ્રામ હેરોઈનનો જથૃથો મળી આવ્યો છે. મુંદરા પોર્ટ ઉપર આયાત કરાયેલા કન્ટેનરમાંથી મળેલા કુલ 2988.219 કિલોગ્રામ ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 10000 કરોડ જેટલી થવા જાય છે.

અફઘાનિસ્તાનથી પ્યોર હેરોઈનનો જથૃથો ઈરાનના બંદર અબ્બાસ પોર્ટથી ટેલ્કમ પાઉડર સાથે મુંદરા પોર્ટ ઉપર આવેલા ઈન્ટર સીડની નામના વહાણમાંથી ઉતરેલા કન્ટેનરમાં મોકલાયું હતું.બાતમીના આધારે ડીઆરઆઈએ તપાસ કર્યા પછી ગાંધીધામ એફએસએલની મદદ લીધા પછી હેરોઈનનો વિશાળ જથૃથો ટેલ્કમ પાઉડર સાથે મોકલાયાનું સ્પષ્ટ થતાં કાર્યવાહી કરાઈ છે.

ડીઆરઆઈના સ્પેશ્યિલ સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ જણાવ્યું કે, ચેન્નઈની પેઢી દ્વારા અફઘાનિસ્તાનથી ટેલકમ પાવડરની આડમાં આ ડ્રગ્સ મંગાવાયું હતું જે મુન્દ્રાથી દિલ્લી જવાનું હતું. જ્યા બાતમીના આધારે મુન્દ્રા પોર્ટ પર ડીઆરઆઈની ટીમે આ હેરોઇન ડ્રગ્સનો વિશાળ જથૃથો ઝડપી પાડયો છે.

જેમાં 6 દિવસની તપાસ બાદ 3 હજાર કિલો હેરોઇન બે કન્ટેનરમાંથી જપ્ત કરવામાં આવ્યું છે અને હજુ પણ તપાસ ચાલુમાં છે. આ કેસમાં 17 મી તારીખે ચેન્નઇના વિજયવાડામાં રહેતા દંપતી ગોવિંદારાજુ દુર્ગા પૂર્ણ વૈશાલી અને તેના પતિ મચ્છાવરમ સુધાકરની ધરપકડ કરી ભુજની પાલારા જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રખાયા હતા જેઓને આજે ભુજની નાર્કોટિક્સ કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવ્યા હતા.

કોર્ટે બંનેના 10 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે જેથી ડીઆરઆઈની ટિમ તપાસ માટે હવે ચેન્નઈ,વિજયવાડા અને દિલ્લી જશે. નોંધનીય છે કે આ માલ અફઘાનિસ્તાનથી મંગાવાયો હતો પણ ત્યાં પોર્ટ ન હોવાથી ઇરાનથી આ ડ્રગ્સ કચ્છમાં મુન્દ્રા બંદરે મોકલાયુ હતું અને ઝડપાઇ ગયું છે અત્યારસુધીના ઇતિહાસમાં ડીઆરઆઈની આ સૌથી મોટી સફળ કામગીરી છે અને હવે અન્ય માથાઓના નામ ખુલવા પામશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *