સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી સામાન્ય વહીવટ વિભાગની કામગીરીની સમીક્ષા

ગુજરાતના(Gujarat) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendrap Patel) સામાન્ય વહીવટ વિભાગ( GAD)ના ઉચ્ચ સચિવો, અધિકારીઓ સાથે બેઠક યોજીને વિવિધ પ્રભાગોની સર્વગ્રાહી કામગીરી સમીક્ષા હાથ ધરી હતી. મુખ્યમંત્રીએ ખાસ કરીને દસ વર્ષીય ભરતી કેલેન્ડર અને વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગ, આયોજન પ્રભાગની કામગીરી અંગે પ્રેઝન્ટેશન દ્વારા જાણકારી મેળવી હતી.

મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશ તથા વરિષ્ઠ સચિવો આ બેઠકમાં સહભાગી થયા હતા. તેમણે ગેપ એનાલીસીસ, સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ ગોલ તથા કર્મચારી ગણ સેવા વ્યવસ્થામાં ટેકનોલોજીના વિનિયોગ માટેના HRMS, આયોજન પ્રભાગ અંતર્ગત હાથ ધરાતી કામગીરીની પણ તલસ્પર્શી જાણકારી મેળવી હતી.

મુખ્યમંત્રીએ પોતાના હસ્તકના વિભાગોની વિસ્તૃત સમીક્ષા હાથ ધરવાના શરૂ કરેલા ઉપક્રમમાં શહેરી વિકાસ, શહેરી ગૃહ નિર્માણ વિભાગની સમીક્ષા બાદ આજે તેમણે સામાન્ય વહીવટ વિભાગની કામગીરી સમીક્ષા હાથ ધરી માર્ગદર્શન પણ આપ્યુ હતું.

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બુધવારે મળેલી પ્રથમ કેબિનેટ બેઠકમાં પ્રજાજનોની સુવિધાલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

જેમાં રાજ્યના દૂર દરાજના ગામો કે અંતરિયાળ વિસ્તારોમાંથી સચિવાલયમાં પોતાના કામો, રજૂઆતો માટે આવતા સામાન્ય નાગરિકોને રાજ્ય સરકારના મંત્રીઓએ અને અધિકારીઓએ સોમવાર અને મંગળવારે મુલાકાત માટેનો સમય ફાળવવાનો રહેશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓ તેમજ અધિકારીઓને આ બે દિવસો (સોમવાર અને મંગળવાર) દરમિયાન કોઈ બેઠકો, મીટીંગ કે અન્ય કાર્યક્રમો નહિ યોજવા સૂચના આપી છે.

મુખ્યમંત્રીના આ નિર્ણય અંગે વધુ વિગતો આપતાં મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને શિક્ષણ મંત્રી જીતેન્દ્ર વાઘાણીએ કહ્યું કે, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ અને અધિકારીઓ બેઠકો, મીટીંગ, અન્ય કાર્યક્રમોમાં વ્યસ્ત ન હોય તો સામાન્ય નાગરિકોને સમગ્ર દિવસ દરમ્યાન કચેરીમાં મળી શકે તેવા જનહિત અભિગમ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નિર્ણય કર્યો છે.

નાગરિકોને પોતાના કામકાજ માટે મંત્રીઓ અને અધિકારીઓને મળવામાં સરળતા રહેશે, તેમ તેમણે ઉમેર્યું હતું. મંત્રીઓએ વધુમાં કહ્યું કે, ભુપેન્દ્ર પટેલે આ નિર્ણયનો અમલ ત્વરિત અસરથી કરવાની પણ સૂચનાઓ આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *