કેલ્શિયમ એ આપણા શરીર માટે ખૂબ જ મહત્વનું છે. કેલ્શિયમની ઉણપ દૂર કરવા માટે, દૂધ અને ડેરી ઉત્પાદનો લેવાની સલાહ આપવામાં આવે છે પરંતુ, જો તમે દૂધ ન પીતા હો અથવા તો તમને દૂધ અથવા તો દૂધની બનાવટોથી કોઈ એલર્જી હોય તો તમારે તમારા રોજિંદા ભોજનમાં રાગીના લોટનો સમાવેશ કરવો જોઈએ.
રાગી એક એવી નોન-ડેરી પ્રોડક્ટ છે કે, જેમાં કેલ્શિયમ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. તમે રાગીના લોટને પીસીને તેને ઘઉંના લોટમાં 7: 3 ના ગુણોત્તરમાં ભેળવીને ઉપયોગમાં લો તો તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આ સિવાય તેને અંકુરિત થયા બાદ પણ ખાઈ શકાય છે. પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન્સ, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ્સ અને ઘણા બધા પોષકતત્વોથી ભરપૂર આ રાગી તમારા સ્વાસ્થ્યને અનેક પ્રકારે લાભ પહોંચાડે છે. તો ચાલો આજે આપણે રાગીના સેવનથી સ્વાસ્થ્યને પહોંચતા લાભ વિશે માહિતી મેળવીએ.
ફાયદા :
ઓસ્ટીયોપોરોસિસ ના જોખમ સામે રાહત મળે :
રાગીમાં અન્ય કોઈપણ અનાજ કરતાં વધુ કેલ્શિયમ હોય છે. આ કારણોસર તે હાડકાં માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. જો તેને નિયમિત રીતે આહારમાં સેવન કરવામાં આવે તો તે શરીરને ઓસ્ટીયોપોરોસિસના જોખમથી બચાવે છે અને દાંતને મજબૂત બનાવે છે.
કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે :
જો તમારા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર વધ્યું હોય તો રાગી આ સમસ્યાને દૂર કરવા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થઇ શકે છે. કોલેસ્ટરોલ શરીરમાં હૃદયના હુમલાનું જોખમ પણ વધારી શકે છે. રાગીમા ભરપૂર માત્રામા ડાયેટરી ફાઇબર અને ફાયટીક એસિડ સમાવિષ્ટ હોય છે, જે તમારા શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢવામાં સહાયરૂપ સાબિત થશે.
ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક :
રાગીમાં પુષ્કળ પ્રમાણમાં ડાયાબિટીસ વિરોધી ગુણધર્મો સમાવિષ્ટ છે. રાગીનું નિયમિત સેવન તમારા શરીરમાં ગ્લુકોઝનું સ્તર વધારે છે અને ડાયાબિટીસની સમસ્યાને નિયંત્રણમાં લાવે છે.
એનિમિયા સામે રક્ષણ આપે છે :
ભારતમાં મોટાભાગની મહિલાઓ એનિમિયાથી પીડિત છે. રાગીમાં ભરપૂર માત્રામાં આયર્ન સમાવિષ્ટ હોય છે. તેના સેવનને કારણે શરીરમાં લોહી ઝડપથી બને છે અને એનિમિયા જેવી સમસ્યાઓ સામે રાહત મળે છે.
તણાવ ઘટાડે છે :
રાગીમાં ભરપૂર પ્રમાણમાં એન્ટી-ઓકસીડન્ટ સમાવિષ્ટ હોય છે, જે તણાવ ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. આજના સમયમાં તણાવ આવવો એકદમ સામાન્ય બની ગયુ છે. આવી સ્થિતિમાં રાગીને તમારા આહારમાં નિયમિતપણે સામેલ કરવો જ જોઇએ.