સંરક્ષણ મંત્રાલયે ઇન્ડિયન આર્મી માટે118 મેઇન બેટલ ટેન્ક(એમબીટી) અર્જુન ખરીદવા માટે રૂ. 7523 કરોડ રૂપિયાની સમજૂતી કરી છે. સંરક્ષણ મંત્રાલયે અર્જુન એમકે-1એ ટેન્ક ખરીદવાનો ઓર્ડર હેવી વેહિકલ્સ ફેક્ટરી(એચવીએફ), અવાડી, ચેન્નાઇને આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે એમબીટી એમકે-1એ અર્જુન ટેન્કનું નવું મોેડેલ છે. જેમાં 72 નવી વિશેષતાઓ અને એમકે-1 મોડેલ કરતા વધારે સ્વદેશી ઉપકરણો છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે સંરક્ષણ મંત્રાલયે ઇન્ડિયન આર્મી માટે118 મેઇન બેટલ ટેન્ક(એમબીટી) અર્જુન ખરીદવા માટે હેવી વેહિકલ્સ ફેક્ટરી (એચવીએફ), અવાડી, ચેન્નાઇને ઓર્ડર આપ્યો છે.
આ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે 7523 કરોડ રૂપિયાના આ ઓર્ડરથી સંરક્ષણ ક્ષેત્રમાં મેક ઇન ઇન્ડિયા પહેલને વેગ મળશે અને આ આત્મનિર્ભર ભારતની દિશામાં એક મોેટું પગલું ગણાશે. મંત્રાલયે જણાવ્યું છે કે આ ટેન્ક દિવસ અને રાતના સમયે લક્ષ્યાંકને વિંધ્વાની સાથે તમામ પ્રકારના વિસ્તારોમાં સહજ ગતિશિલતા સુનિશ્ચિત કરશે.
આ ટેન્ક ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઇઝેશન(ડીઆરડીઓ) દ્વારા ડિઝાઇન અને વિકસિત કરવામાં આવ્યું છે. હેવી વ્હીકલ ફેક્ટરીને મળેલા આ ઓર્ડરથી એમએસએમઇ સહિત 200થી વધુ ભારતીય કંપનીઓ માટે સંરક્ષણ નિર્માણમાં એક મોટી તક ઉપલબૃધ બનશે અને 8000 લોકોને રોજગારીની તકો ઉપલબૃધ બનશે.