સ્માર્ટફોન, ટીવી, એસી, લેપટોપની કિંમતમાં આઠ ટકા સુધી ફરી વધારો થશે

કોરોના મહામારીનો કહેર ઓરસતા અને રસીકરણ અભિયાનથી બજારોમાં ફરી ચહલપહલ વધી રહી છે અને આગામી તહેરવારો સુધી ખરીદી વધવાની અપેક્ષા છે. જો કે કાર, ટુ-વ્હિલર બાદ હવે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ જેવી કે, સ્માર્ટફોમ, કોમ્પ્યુટર – લેપટોપ, ટેલિવિઝન, ફ્રીજ, એર-કન્ડિશનરની કિંમતો ફરી આઠ ટકા જેટલી વધી શકે છે. એટલે કે લોકોએ ઉપરોક્ત ચીજો ખરીદવા માટે ફરી વધારે કિંમત ચૂકવવાની તૈયારી રાખવી પડશે.

 

આ વસ્તુઓના વિવિધ પાર્ટ્સ, રો-મટિરિયલ્સ અને ટ્રાન્સપોર્ટ ખર્ચ વધવાના લીધે તેમની વેચાણ કિંમત વધી રહી છે. મેન્યુફેક્ચર્સના જણાવ્યા મુજબ પડતર ખર્ચની દ્રષ્ટિએ હાલ સૌથી ખરાબ સમય ચાલી રહ્યો છે.

 

આગામી દિવોસમાં અથવા નવરાત્રીની આસપાસ કન્ઝયુમર ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ ૮ ટકા સુધી મોંઘા થઇ શકે છે. તો કાર અને ટુ-વ્હિલરની કિંમતમાં ૧થી ૨ ટકાની વૃદ્ધિ થઇ શકે છે. પાછલા એક દોઢ વર્ષમાં કંપનીઓએ કાર અને ટુ-વ્હિલરની કિંમત ૧૦થી ૧૫ ટકા વધારી દીધી છે.

 

ઇલેક્ટ્રોનિક્સ ગુડ્સ અને વાહનોના વિવિધ પાર્ટ્સની ઇમ્પોર્ટ કોસ્ટ વધવાથી એકંદરે વસ્તુની કુલ કિંમત વધી રહી છે. કોરોના મહામારી બાદ સ્ટીલની કિંમત બમણી થઇ ગઇ છે તો કોપર અને એલ્યુમિનિયમ ૨૦થી ૨૫ ટકા મોંઘા થયા છે. હાલ દુનિયાભરમાં સેમીકન્ડક્ટરની ભારે અછત સર્જાતા તેની કિંમત ૨૫થી ૭૫ ટકા જેટલી વધી ગઇ છે. આ દરમિયાન ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ ૨-૩ ટકા વધી ગયુ છે જેની અસરે પણ ઇલે. ગુડ્સ આઇટમ મોંઘા થઇ રહ્યા છે.

 

અગ્રણી ઓટો એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે પ્રથમ નવ મહિનામાં સૌથી વધારે વેચાતી ૧૦ કારની કિંમતમાં ૫ વખત ફેરફાર કરાયો છે. બીજી બાજુ વેટેડ એવરેજ ઇન્સેન્ટિવ ૧૩,૦૦૦ રૂપિયાથી ઘટીને ૮,૦૦૦ રૂપિયા પ્રતિકાર થઇ ગયુ છે.

 

કાર-ટુવ્હિલર ઉપરાંત સ્માર્ટફોનની કિંમત પણ ઝડપથી વધી છે. ઇન્ટરનેશનલલ ડેટા કોર્પોરેશન (આઇડીસી)એ પોતાની એક રિપોર્ટમાં જણાવ્યુ છે કે, સ્માર્ટફોનની કિંમત ૩-૫ ટકા સુધી વધી ચૂકી છે, કારણ કે તમામ કંપનીઓએ ફરીથી મેન્યુફેક્ચરિંગ શરૂ કરી દીધી છે. આ કંપનીઓ હવે નવા મોડલ્સનું પ્રોડક્શન કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *