શ્રાદ્ધ પર કરવામાં આવેલું દાન દૂર કરશે આપના ઘરનો કલેશ !

શ્રાદ્ધ પક્ષમાં( Shraddh paksha) પિતૃઓને પ્રસન્ન કરવા માટે તર્પણ વિધિ, પીંડદાન કરવામાં આવે છે. કહેવાય છે કે પિતૃ પક્ષમાં શ્રાદ્ધ પર જો દાન કરવામાં આવે તો તેનાથી પણ પિતૃઓની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકીએ છીએ. દાન વ્યક્તિની અલગ અલગ ઈચ્છાઓને પણ પૂર્ણ કરે છે. સાથે જ પિતૃઓને પણ તૃપ્તિનો અહેસાસ થાય છે અને જો કોઈ વ્યક્તિને પિતૃદોષ લાગ્યો છે તો તેનું પણ નિવારણ થતું હોવાની માન્યતા છે.

એટલું જ નહીં જેમને દાન કરીએ છીએ તેમના પણ આશિષ પ્રાપ્ત થાય છે. આમ તો, શાસ્ત્રોમાં ગૌ દાનને શ્રેષ્ઠ દાન કહેવાયું છે. પણ એ સિવાય શેનું કરવું દાન ? ત્યારે આવો આજે જાણીએ કે પિતૃ પક્ષમાં પિતૃઓના આશિર્વાદની પ્રાપ્તિ કરવા માટે શેનું કરવું જોઈએ અને થી દાન કરનારને કેવા ફળની પ્રાપ્તિ થાય છે.

1. ભૂમિનું દાન
આર્થિક રીતે સક્ષમ વ્યક્તિ જો પિતૃ પક્ષમાં ભૂમિનું દાન કરે તો તે સંપતિ અને સંતતિની પ્રાપ્તિ કરાવતું હોવાની માન્યતા છે.

2. સોના ચાંદીનું દાન
એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ સોનાનું દાન કરવા સક્ષમ છે તો તેમણે અવશ્ય કરવું જોઈએ. સોનાનું દાન ગૃહ કલેશનો નાશ કરે છે. તો ચાંદીના દાન થી પણ પિતૃઓના આશિષ પ્રાપ્ત થતાં હોવાની માન્યતા છે.

3. વસ્ત્ર દાન
જાણકારો કહે છે કે શ્રાદ્ધમાં ધોતીનું દાન અવશ્ય કરવું જોઈએ. વસ્ત્ર દાનમાં કોઈ પણ વસ્ત્ર નવું અને સ્વચ્છ હોય તો જ દાન કરવું જોઈએ.

4. અન્નદાન
પિતૃ પક્ષમાં અન્નદાનનું ખાસ મહત્વ છે. કહે છે કે ઘઉં કે ચોખાનું દાન મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ કરાવે છે.

5. કાળા તલનું દાન
શ્રાદ્ધ કર્મમાં આપણે પિતૃઓની તૃપ્તિ અર્થે કાળા તલનો ઉપયોગ કરીએ છીએ. એવી જ રીતે કાળા તલના દાનનો પણ મહિમા છે. કહે છે કે તેનાથી ગ્રહદોષ પણ દૂર થાય છે અને પિતૃઓની કૃપા પણ વરસે છે.

6. ઘી અને ગોળનું દાન
પિતૃ પક્ષમાં ઘી ગોળના દાનનું પણ મહત્વ છે. જો આપ ઘીનું દાન કરી રહ્યા છો તો એ અવશ્ય ખ્યાલ રાખો કે ગાયના ઘીનું જ દાન કરવું જોઈએ.

7. મીઠાનું દાન
જો ઉપર જણાવેલી કોઈ પણ વસ્તુનું આપ દાન ન કરી શકો તો નમક એટલે મીઠાનું દાન અવશ્ય કરવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *