નવજોતસિંગ સિદ્ધુને 18મી જુલાઈના રોજ પંજાબ કોંગ્રેસનો અધ્યક્ષ બનાવવામાં આવે છે અને પછીના ગણતરીના મહિનાઓમાં તે 28મી જુલાઈના રોજ રાજીનામુ આપી દે છે. પંજાબમાં ચૂંટણીના ગણતરીના મહિના બાકી છે ત્યારે સિદ્ધુના રાજીનામાએ બધાને ચોંકાવી દીધા છે. સિદ્ધુના આ નિર્ણયને ભલે તેમને સીએમ ન બનાવાયા તેની સાથે જોડાઈને દેખાતો હોય પરંતુ ક્રિકેટ હોય કે રાજકારણ સિદ્ધુ બધાને ચોંકાવતા રહ્યા છે.
ફક્ત રાજકારણમાં જ સિદ્ધુના નિર્ણયથી બધા ચોંકે છે તેવું નથી, ક્રિકેટમાં પણ સિદ્ધુ આવું કરી ચૂક્યો છે. 1996માં ભારતની ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસ પર હતી, તે સમયે સિદ્ધુ પણ ટીમની જોડે હતો. તે પ્રવાસમાં સિદ્ધુ કોઈને પણ કશું કહ્યા વગર અડધા પ્રવાસે પાછો આવી ગયો. તે વખતે ટીમની કમાન અઝહરુદ્દીનના હાથમાં હતી. સિદ્ધુના આ પગલાં પછી બીસીસીઆઇએ તપાસ સમિતિ બેસાડવી પડી હતી.
આ પહેલા સિદ્ધુએ 1987માં પણ આવું જ કર્યુ હતુ. તેણે 1987ના વર્લ્ડ કપમાં શાનદાર બેટિંગ કરી હતી. વર્લ્ડ કપના થોડા મહિના પછી જ ટીમ ઇન્ડિયાનો વેસ્ટઇન્ડિઝ પ્રવાસ હતો. તે એક સારો ઓપનર હતો અને ફાસ્ટ બોલરો સામે તેમની જરુર હતી. તે સમયે સિદ્ધુ ઇજાગ્રસ્ત થઈ સિરીઝથી બહાર થઈ ગયા. તેને લઈને પણ વિવાદ થયો હતો. તેના પછી સિદ્ધુ એક વર્ષ ક્રિકેટ રમ્યો ન હતો.
નવજોતસિંગ સિદ્ધુનો રાજકીય પ્રવાસ પણ આવો જ રહ્યો છે. તેમણે તેમના રાજકીય જીવનમાં પણ એવા નિર્ણય લીધા છે કે બધા વિચારતા થઈ ગયા છે. 2004માં સિદ્ધુએ રાજકીય સફર શરૃ કરી હતી. અરુણ જેટલીએ તેમને ભાજપમાં સામેલ કરાવ્યા હતા. તે જ વર્ષે તે અમૃતસર બેઠક પરથી ચૂંટણી લડે છે. સિદ્ધુએ તે વખતે કોંગ્રેસના મોટા નેતા રઘુનંદનલાલ ભાટિયાને એક લાખ મતથી હરાવ્યા હતા. 2009માં પણ સિદ્ધુ ત્યાંથી જીત્યા હતા. 2014માં તેમને ત્યાંથી ટિકિટ ન મળી, પરંતુ તે પક્ષના સ્ટાર પ્રચારક હતા. ભાજપે તેમને રાજ્યસભામાં મોકલ્યા, પરંતુ 2017માં તે રાજીનામુ આપી કોંગ્રેસમા સામેલ થઈ ગયા.
તે પછી તે વર્ષે પંજાબમાં ચૂંટણી થવાની હતી. આમ આદમી પાર્ટી જોરમાં હતી. સિદ્ધુ આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બને તેવી વાત પણ ઉડી હતી, પરંતુ પછી જામ્યુ નહી અને તે કોંગ્રેસમાં આવી ગયા. ચૂંટણી પછી આવેલી કેપ્ટનની આગેવાની હેઠળની કોંગ્રેસની સરકારમાં તેમને મંત્રી બનાવાયા હતા. જો કે તેમણે કેપ્ટન સામે મોરચો ખોલ્યો અને 2019માં કેબિનેટમાંથી રાજીનામુ આપ્યું. તેના પછી તે કેપ્ટન સામેના જૂથને તેમની તરફેણમાં લાવવામાં સફળ રહ્યા. આ દરમિયાન તે ગાંધી પરિવારની નજીક આવ્યા. કેપ્ટનના વિરોધ છતાં તેમને પ્રદેશ અધ્યક્ષ બનાવાયા અને પછી કેપ્ટનને પણ સત્તા પરથી દૂર કરવામાં આવે છે. પણ સિદ્ધુ પંજાબના સુકાની બની શકતા નથી, હવે તેમણે પંજાબ કોંગ્રેસના પ્રમુખપદેથી રાજીનામુ આપતા તેમના નિર્ણય સામે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે.