વાવાઝોડું ‘ગુલાબ’નો ‘Cyclone Gulab’ કહેર હજુ અટકવાનું નામ નથી લેતો ત્યાં નવું વાવાઝોડું ‘ શાહીન’ની (Cyclone Shaheen) આશંકાથી લોકોમાં ચિંતા થઇ રહી છે. આ તોફાન ખાસ કરીને મહારાષ્ટ્ર (Maharashtra) અને ગુજરાતના (Gujarat) દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો માટે ચિંતાનું કારણ બની શકે છે. આનું કારણ એ છે કે, ‘શાહીન’ નામનું ચક્રવાતી તોફાન અરબી સમુદ્રમાં (Arabian sea) બનવાનું છે અને તે મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના (Gujarat Coastal Area) વિસ્તારોમાં તેની અસર પડશે.
હાલમાં, વાવાઝોડું ‘ગુલાબ’ મહારાષ્ટ્રમાં વિનાશ લાવ્યું છે. ‘ગુલાબ’ વાવાઝોડું હવે લો પ્રેશર એરિયામાં ફેરવાઈ ગયું છે. તે છત્તીસગઠ અને ઓડિશાના દક્ષિણી વિસ્તારોમાં આવી ગયું છે. આ લો પ્રેશર એરિયાની તૈયારીના કારણે સોમવારથી મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. માત્ર મરાઠાવાડા ક્ષેત્રની વાત કરીએ તો, અહીં 10 લોકોએ જીવ ગુમાવ્યા છે. ઘણા પશુઓ તણાયા છે અને ઘરો અને દુકાનમાં પાણી ભરાયા છે.
શાહીન વાવાઝોડા અંગે હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, ઓડિશા અને આંધ્ર પ્રદેશના કાંઠે અથડાયેલા ‘ગુલાબ’ વાવાઝોડાની પોસ્ટ ઈફેક્ટના કારણે અરબ સાગરમાં વધુ એક વાવાઝોડું ‘શાહીન’ સર્જાઈ રહ્યું છે. અરબ સાગરમાં શાહીન નામનુ વાવાઝોડું ઉઠી રહ્યુ છે. જોકે, આ સાયક્લોન બનશે તો નામ શાહીન રહેશે. સાયકલોન બની પણ જાય તો પણ ગુજરાત માટે કોઈ મોટું સંકટ નથી. કોસ્ટલ એરિયામાં કાલે ભારે પવન ફૂંકાશે, ત્યારબાદ અરબી સમુદ્રમાં તેની અસર જોવા મળશે.
ડાયરેક્ટર મનોરમા મોહંતીએ વધુમાં જણાવ્યું કે, આગામી 24 કલાકમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે. સાઉથ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. તો ગુજરાતના કોસ્ટલ એરિયામાં કાલ સવાર સુધી 60 કિમીની ઝડપે અને આવતીકાલે 90ની ગતિના પવન ફૂંકાશે. જેથી માછીમારોને 4 દિવસ માટે દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે. દરિયાઈ વિસ્તારોમાં ભારે વરસાદ રહેશે, સાથે જ દરિયો તોફાની પણ બનશે. 40 ની ગતિના પવનો અમદાવાદમાં પણ ફૂંકાશે, પણ અમદાવાદમાં કોઈ ખતરો નથી. અમદાવાના દક્ષિણ ભાગમાં ભારે વરસાદ વરસી શકે છે પરંતુ ઉત્તર અમદાવાદમાં સામાન્ય વરસાદ રહેશે.
આગામી 24 કલાકમાં ચક્રવાતી તોફાન ગુલાબની તીવ્રતા વધુ રહેશે. આ કલાકોમાં, ભારતીય હવામાન વિભાગ (IMD) એ મરાઠાવાડા, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ચિંતાની વાત છે કે આ વાવાઝોડું ફરી એક વખત નવા સ્વરૂપમાં દેખાવા જઈ રહ્યું છે. એટલે કે, નવો જન્મ થવાનો છે. મહારાષ્ટ્ર અને ગુજરાત માટે આ ખૂબ જ ચિંતાનો વિષય છે.