SpaceX ભારતમાં શરૂ કરશે બ્રોડબેન્ડ સર્વિસ, ગ્રામિણ વિસ્તારોને પ્રાથમિકતા આપવાનું લક્ષ્ય

એલોન મસ્કની આગેવાનીવાળી કંપની SpaceX ની સેટેલાઇટ બ્રોડબેન્ડના કારોબાર વાળો ડીવીઝન સ્ટારલિંકની યોજના ભારતમાં બ્રોડબેન્ડ સેવાઓ શરૂ કરવાની છે. કંપની આ સર્વિસ ડિસેમ્બર 2022 થી શરૂ કરવાની યોજના ધરાવે છે. કંપની હાલમાં બે લાખ સક્રિય ટર્મિનલ માટે સરકારની મંજૂરીની રાહ જોઈ રહી છે.

સ્ટારલિંક ખાતે ભારતના ડિરેક્ટર સંજય ભાર્ગવે LinkedIn પોસ્ટમાં જણાવ્યું હતું કે ઓફિસમાં પ્રથમ દિવસે કંપનીને ભારતમાં 5,000 પ્રી-ઓર્ડર મળી ચૂક્યા છે અને બ્રોડબેન્ડ સેવાઓ આપવા માટે કંપની ગ્રામીણ વિસ્તારોમાં કામ કરવા માટે તૈયાર છે. ભાર્ગવે વધુમાં કહ્યું કે તેમનું લક્ષ્ય ડિસેમ્બર 2022 સુધીમાં ભારતમાં બે લાખ ટર્મિનલ ઉપલબ્ધ કરાવવાનું છે.

સ્ટારલિંક ગ્રાહકોને પ્રાયોરીટી લીસ્ટનો ભાગ બનવા માટે 99 ડોલર અથવા 7,350 રૂપિયાની ડિપોઝિટ લઈ રહી છે. એકવાર સેવા સક્રિય થયા પછી પ્રી-ઓર્ડર ડિપોઝિટ માસિક ફી સામે ગોઠવવામાં આવશે. લોકો રિફંડ પણ લઈ શકે છે, પરંતુ તેઓ તેમની પ્રાથમિકતાની સ્થિતિ પણ ગુમાવશે.

કંપનીનો દાવો છે કે તેઓ બીટા સ્ટેજમાં 50 થી 150 મેગાબાઇટની રેન્જમાં ડેટા સ્પીડ પહોંચાડશે. કંપની બ્રોડબેન્ડ સેગમેન્ટમાં રિલાયન્સ જિયો, ભારતી એરટેલ, વોડાફોન આઈડિયા અને ભારતી ગ્રુપ સમર્થિત વનવેબ સાથે સીધી સ્પર્ધા કરશે.

ભાર્ગવે પોસ્ટમાં કહ્યું છે કે ગોવાના એક દૂરના વિસ્તાર દ્વારા સ્ટારલિંકની માંગણી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે તેઓ ગ્રામીણ વિસ્તારો સાથે કામ કરશે, જે 100% બ્રોડબેન્ડ ઈચ્છે છે. તેમાંથી મોટા ભાગના વિસ્તારમાં terrestrial બ્રોડબેન્ડ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. પરંતુ જે વિસ્તારોમાં સેવા આપવી મુશ્કેલ છે ત્યાં સ્ટારલિંક જેવા સેટકોમ પ્રદાતાઓ જોવા મળશે.

ભાર્ગવે વધુમાં કહ્યું કે તેઓ તે દિવસની રાહ જોઈ રહ્યા છે જ્યારે ભારતનો કોઈ ગ્રામીણ વિસ્તાર પોતાને 100% બ્રોડબેન્ડ વાળું હોવાનું જાહેર કરશે. તેમણે કહ્યું છે કે રાજકારણીઓ અને અમલદારો જે સ્ટારલિંક અને અન્ય બ્રોડબેન્ડ પ્રદાતાઓ સાથે કામ કરવા ઈચ્છે છે તેઓ મારો સંપર્ક કરી શકે છે.

એક પ્રી-ઓર્ડરની નોટમાં, સ્ટારલિન્કે કહ્યું કે તેની સેવા ઘણા દેશોમાં ઉપલબ્ધ છે અને જો તેને ભારત તરફથી મોટી સંખ્યામાં પ્રી-ઓર્ડર મળે છે તો સરકારની મંજૂરી મેળવવી તેના માટે સરળ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *