ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં BJPની ભવ્ય જીત, પી.એમ. મોદી અને અમિત શાહે પાઠવી શુભેચ્છાઓ

ગુજરાતના પાટનગરની ચૂંટણી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને નગરપાલિકાની ચૂંટણીના પરિણામે સાબિત કર્યું કે ગુજરાત ભાજપનો ગઢ છે… પટેલ અને પાટીલની જોડીએ 2022ની વિધાનસભા પહેલાની સેમી ફાઇનલમાં જે રીતે વિજય મેળવ્યો છે. તેને જોતા લાગી રહ્યું છે કે આવનારી વિધાનસભામાં ભાજપ 150થી વધુ બેઠક જીતવાનો જે દાવો કરી રહ્યો છે તે મેળવીને ઝંપશે… તો કૉંગ્રેસ અને આપ માટે આ ચૂંટણીના પરિણામ નિરાશાજનક રહ્યાં, આમ આદમી પાર્ટીએ વિકલ્પ બનવાનો દાવો કર્યો હતો પરંતુ ભાજપે તેના પર ઝાડું ફેરવી દીધું..

ગાંધીનગર કોર્પોરેશન અને અન્ય સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીત બાદ વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહે કાર્યકર્તાઓને શુભેચ્છાઓ પાઠવી છે. ગાંધીનગર કોર્પોરેશન અને અન્ય સ્થાનિક સંસ્થાઓમાં જીત મુદ્દે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરતા લખ્યું –

“જીત દર્શાવે છે કે ગુજરાતની પ્રજા અને ભાજપ વચ્ચેનું મજબૂત જોડાણ દર્શાવે છે”
“અમને વારંવાર આશીર્વાદ આપવા બદલ પ્રજાનો આભાર”
“ભાજપના તમામ કાર્યકર્તાઓના સખત પરિશ્રમના કારણે થયો વિજય”

તો કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા પ્રધાન અમિત શાહે જીત બદલ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટ્વીટમાં લખ્યું છે –

“પ્રચંડ જીત દર્શાવે છે કે પ્રજાને ભાજપની વિકાસલક્ષી નીતિઓમાં વિશ્વાસ મજબૂત થઇ રહ્યો છે”
“ગુજરાત સરકાર ગરીબ, પછાત, વંચિત વર્ગ માટે સતત કાર્ય કરતી રહેશે”

ગાંધીનગર મહાનગરપાલિકાની કુલ 44 બેઠકમાં ભાજપને 41 બેઠકો મળી.. તો કૉંગ્રેસને માત્ર 2 બેઠક અને આપને એક માત્ર બેઠક મળી. નગરપાલિકાની ચૂંટણીની વાત કરીએ તો ઓખા અને થરા નગરપાલિકામાં ભાજપની જ્યારે ભાણવડ નગરપાલિકામાં કૉંગ્રેસની જીત થઈ. ત્રણ નગરપાલિકાની 84 બેઠકોમાંથી ભાજપે 62 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે કૉંગ્રેસે 22 બેઠકો પર જીત મેળવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *