કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આગામી તહેવારોમાં કોવિડ -19 સંક્રમણને (Corona Virus) રોકવા માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને માર્ગદર્શિકા જારી કરી છે. નવા દિશાનિર્દેશો અનુસાર, કન્ટેનમેન્ટ ઝોન અને જિલ્લાઓમાં 5 ટકાથી વધુ (પોઝિટિવિટી રેટ) કેસ નોંધાવતા વિસ્તારોમાં સામૂહિક મેળાવડા થશે નહીં. 5 ટકા અને તેનાથી ઓછો દર ધરાવતા જિલ્લાઓમાં, પૂર્વ પરવાનગી અને મર્યાદિત લોકો (સ્થાનિક સંદર્ભ મુજબ) સાથે સભાની મંજૂરી આપવામાં આવશે.
આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે સાપ્તાહિક કેસના પોઝિટિવિટી રેટના આધારે રાજ્યોમાં છૂટ અને પ્રતિબંધો લાદવામાં આવશે. રાજ્યો તમામ જિલ્લાઓમાં દરરોજ કોરોનાના કેસોની નજીકથી દેખરેખ રાખશે જેથી કોઈ પણ પ્રારંભિક ચેતવણી ચિહ્નો ઓળખી શકાય અને તે મુજબ પ્રતિબંધો અને કોરોનાની યોગ્ય વર્તણૂકનું પાલન સુનિશ્ચિત કરી શકાય.
સરકારે કહ્યું છે કે લોકોને મુસાફરી અને મેળાવળાથી રોકવા માટે પ્રચાર થવો જોઈએ. ઓનલાઈન દર્શન અને વર્ચ્યુઅલ મેળાવડાની જોગવાઈને પ્રોત્સાહિત કરવામાં આવશે. આ સિવાય પૂતળા દહન, દુર્ગા પૂજા પંડાલ, દાંડિયા, ગરબા અને છઠ પૂજા જેવી તમામ વિધિઓ પ્રતીકાત્મક હોવી જોઈએ.
માર્ગદર્શિકા અનુસાર, સભાઓ/સરઘસોમાં ભાગ લેવા માટે મંજૂર કરાયેલા લોકોની સંખ્યાનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. પૂજા સ્થાનો પર અલગ પ્રવેશ અને બહાર નીકળવાના રસ્તો રખવો જોઈએ. પ્રસાદ, પવિત્ર જળનો છંટકાવ વગેરેનો ઉપયોગ ટાળવો જોઈએ. 9 દિવસના નવરાત્રિ મહોત્સવની શરૂઆત ગુરુવારે દેશભરમાં COVID-19 સલામતીના નિયમોના અમલ સાથે થઈ હતી.
મંત્રાલયે કહ્યું કે દેશમાં કોવિડ -19 રસીના 94 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. કોવિડ -19 માંથી સ્વસ્થ થવાનો રાષ્ટ્રીય દર 97.98 ટકા નોંધાયો હતો, જે માર્ચ 2020 પછી સૌથી વધુ છે. મંત્રાલયે જણાવ્યું હતું કે સંક્રમણનો દૈનિક દર 1.56 ટકા નોંધવામાં આવ્યો છે, જે છેલ્લા 40 દિવસથી 3 ટકાથી ઓછો છે. દેશમાં સાજા થતા દર્દીઓની સંખ્યા વધીને 3,32,48,291 થઈ ગઈ છે, જ્યારે મૃત્યુ દર 1.33 ટકા છે.