વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 11/10/2021 સોમવારે સવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઇન્ડિયન સ્પેસ એસોસિએશન (ISPA) નું લોન્ચિંગ કર્યું હતું. આ પ્રસંગે તે અવકાશ ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરશે. આ પ્રસંગે 2022ના અંતમાં અથવા તો 2023ની શરૂઆતમાં મિશન ગગનયાન શરૂ કરવાની સંભાવના દર્શાવી હતી. પ્રધાનમંત્રી કાર્યાલય અનુસાર, ભારતીય અવકાશ સંગઠન અવકાશ અને ઉપગ્રહ કંપનીઓની અગ્રણી ઉદ્યોગ સંસ્થા છે, જે ભારતીય અંતરિક્ષ ઉદ્યોગનો સામૂહિક અવાજ બનવાની આકાંક્ષા રાખે છે.
પીએમ મોદીએ રવિવારે ટ્વિટર પર લખ્યું હતું કે, “આવતીકાલે (11 ઓક્ટોબરે) સવારે 11 વાગ્યે હું ઇન્ડિયન સ્પેસ એસોસિએશન લોન્ચ કરવાના કાર્યક્રમમાં સામેલ થઈશ. આ ક્ષેત્રના મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરવાની તક મળતા મને આનંદ થયો છે. અવકાશ અને ઈનોવેશનની દુનિયામાં રસ ધરાવતા લોકોએ આવતીકાલનો કાર્યક્રમ અવશ્ય જોવો જોઈએ.”
વડાપ્રધાન કાર્યાલય દ્વારા શનિવારે જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, ISPA સંબંધિત નીતિઓની હિમાયત કરશે અને સરકાર અને તેની એજન્સીઓ સહિત ભારતીય અંતરિક્ષ ક્ષેત્રના તમામ હિસ્સેદારો સાથે તેની જોડાણની ખાતરી કરશે. પીએમઓના જણાવ્યા અનુસાર, ‘આત્મનિર્ભર ભારત’ ના પ્રધાનમંત્રીના દ્રષ્ટિકોણને રેખાંકિત કરીને, ISPA ભારતને આત્મનિર્ભર, તકનીકી રીતે અદ્યતન અને અંતરિક્ષ ક્ષેત્રે અગ્રણી દેશ બનાવવામાં મદદ કરશે.